
પહેલી ફિલ્મ હીટ જાય અને લોકોની નજરે તમે ચડો ત્યારબાદ ફ્લોપ ફિલ્મો આપવી ખૂબ અઘરી છે. પહેલી ફિલ્મ હીટ જતા તમે પણ થોડા ઉત્સાહમાં હોવ, પછી એક બે નહીં આઠ ફિલ્મો ફ્લોપ જાય અને લગભગ બેરોજગાર બેસી રહેવું પડે ત્યારે ભલભલા ભાંગી પડે પણ આજનો બર્થ ડે સિલબ્રિટી હિંમત ન હાર્યો. તેને જરૂર હતી માત્ર એક હીટ ફિલ્મની અને તે મળી. આ ફિલ્મ હીટ ગઈ અને આપણો હીરો સુપરહીટ. આ ફિલ્મ એટલે રાજકુમાર હીરાણીની માસ્ટરપીસ મુન્નાભાઈ એમબીબીએસ અને આજના સેલિબ્રિટી એટલે અરશદ વારસી. મુંબઈમાં જન્મેલો અરશદ આજે તેનો 57મો બર્થ ડે મનાવી રહ્યો છે.

અરશદે 18 વર્ષની ઉંમરે તેના માતા-પિતા ગુમાવ્યા અને બસો અને ટ્રેનોમાં કોસ્મેટિક સામાન વેચતા સેલ્સમેન તરીકે કામ કર્યું. ભણવાનું છૂટી ગયું. તેણે પોતાની કારકિર્દીની શરૂઆત કોરિયોગ્રાફર તરીકે કરી હતી, પરંતુ એક સ્ટાર અભિનેત્રીની ઓફરે તેને અભિનયની દુનિયામાં પ્રવેશ કરાવ્યો હતો. નૃત્ય પ્રત્યેના શોખને કારણે અરશદ વારસી અકબર સામીના ડાન્સ ગ્રુપમાં જોડાયો. આ સાથે તે કોરિયોગ્રાફર બની ગયો. તેણે એલેક પદમસી અને ભરત દાભોલકરના માર્ગદર્શન હેઠળ તેની કોરિયોગ્રાફી શિખી, અભિનેતાએ એક ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે તેણે જયા બચ્ચનને તેની સાદી તસવીરો મોકલી હતી અને તેમ છતાં જયા બચ્ચનને વિશ્વાસ હતો કે તે અભિનય કરી શકે છે અને સ્ક્રીન ટેસ્ટ લીધા વિના તેણે તેને તેની પ્રથમ ફિલ્મ ‘તેરે મેરે સપને’ માટે પસંદ કર્યો હતો.

તેરે મેરે સપનેમાં ચંદ્રચુડ સિંહ, પ્રિયા ગિલ અને સિમરન પણ હતા અને અમિતાભ બચ્ચનની એબીસીએલના બેનર હેઠળ જોય ઓગસ્ટિન દ્વારા નિર્દેશિત કરવામાં આવી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ રહી હતી અને દર્શકો તરફથી તેને સારો પ્રતિસાદ મળ્યો હતો. જો કે, આ પછી પડતી શરૂ થઈ અને અરશદે એક પછી એક 8 ફ્લોપ ફિલ્મો આપી. આનાથી તેની અભિનય કારકિર્દી પર બ્રેક લાગી.
ALSO READ: લો બોલો! લગ્નના 25 વર્ષ બાદ આ બોલીવુડ કપલે તેમના લગ્ન રજીસ્ટર કરાવ્યા!

અભિનેતાએ એક મુલાકાતમાં ખુલાસો કર્યો હતો કે તે તેની હિટ ડેબ્યૂ પછી પણ ત્રણ વર્ષ સુધી બેરોજગાર રહ્યો હતો. કામ હતું નહીં. ત્રણ વર્ષથી તેની પાસે કોઈ ફિલ્મ ન હોવાથી મારે નાની મોટી નોકરી પણ કરવી પડી. હું ત્રણ વર્ષથી બેરોજગાર હતો. સદભાગ્યે મારી પત્ની મારિયા પાસે નોકરી હતી, તેથી અમે ઠીક હતા અને ઘર ચાલતું હતું. પરંતુ મારી પાસે ત્રણ વર્ષથી કોઈ ફિલ્મ નહોતી. મેં નાની-નાની નોકરીઓ કરી, પણ મેં કોઈ ફિલ્મ કરી નથી.

2003 માં, અભિનેતાએ રાજકુમાર હિરાનીની મુન્નાભાઈ MBBS માં સર્કિટ તરીકે અભિનય કર્યો અને સરકીટ એવી તો લાગી કે મજા પડી ગઈ. અરશદના આ કૉમેડી અવતારને દર્શોકએ વધાવ્યો અને પછી ગાડી સુપરફાસ્ટ દોડી. આ પછી તેણે હલચલ, મૈંને પ્યાર ક્યૂં કિયા?, સલામ નમસ્તે, ગોલમાલ-ફન અનલિમિટેડ, લગે રહો મુન્ના ભાઈ, ધમાલ, ગોલમાલ રિટર્ન્સ, ઈશ્કિયા, ગોલમાલ 3, જોલી એલએલબી 2, ગોલમાલ અગેન અને ટોટલ ધમાલ જેવી ઘણી ફિલ્મો કરી. તેણે વેબ સિરિઝ અસુરમાં તેના અભિનયથી દર્શકોને પ્રભાવિત કર્યા હતા અને હવે અભિનેતા સંજય દત્ત, અક્ષય કુમાર, રવિના ટંડન, પરેશ રાવલ, સુનીલ શેટ્ટી, લારા દત્તા અને દિશા સાથે વેલકમ ટુ ધ જંગલમાં ફરી દેખાશે.
અરશદને તેના જન્મદિવસે શુભકામના…
