Happy Birthday: પ્રેમીએ હેલિકોપ્ટરથી લવલેટર ફેંકી મનાવી હતી આજની સેલિબ્રિટીને
આજના સમયમાં પ્રેમનો ઈકરાર કરવા પ્રેમીઓ ઘણા ગતકડા કરતા હોય છે, મોંઘા વેન્યુ બુક કરે છે, મોંઘીદાટ ગિફ્ટ આપે છે અને પ્રેમીકાઓને પ્રપોઝ કરતા હોય છે કે રીઝવતા હોય છે. પણ આજથી પચાસેક વર્ષ પહેલા એક પ્રેમીએ પોતાની પ્રેમિકાને મનાવવા તેના બંગલા પર હેલિકૉપ્ટરથી પત્થરો ફેંકયા હતા અને પત્થરોમાં પ્રેમપત્રો લપેટ્યા હતા. આ પ્રેમી એટલે વિતેલા જમાનાના અબિનેતા મોતીલાલ રાજવંશ અને પ્રેમિકા એટલે તે સમયની અભિનેત્રી, દિગ્દર્શિકા અને નિર્માત્રી શોભના સમર્થ. 16 નવેમ્બર, 1916ના રોજ જન્મેલા શોભના સમર્થનો આજે જન્મદિવસ છે. તેમની બીજી ઓળખ જાજરમાન અભિનેત્રી નૂતન અને તનુજાના માતા અને કાજોલ અને મોહનીશ બહેલના નાની તરીકેની પણ છે.
જે સમયમાં સારા ઘરની મહિલાઓ ફિલ્મ જોવા પણ ન હતી જતી તે સમયે તમામ બંધનો તોડી શોભનાએ ફિલ્મોમાં ઝંપલાવ્યું હતું. ભરત મિલાપ અને રામરાજ્યમાં તેમની સીતાની ભૂમિકાને ખૂબ જ પ્રશંસા મળી. તે બાદ તેમણે લગભગ 50 ફિલ્મોમાં કામ કર્યું. સમૃદ્ધ પરિવારમાં જન્મેલા શોભના (મૂળ નામ સરોજ)એ ખરાબ સમય પણ જોયો અને પિતાની છત્રછાયા નાની ઉંમરે ગુમાવી. તે બાદ ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું. યુવાનવયે તેમનો પરિચય કુમારસેન સમર્થ નામના સિનેમેટોગ્રાફર સાથે થયો ને પ્રેમ પાંગર્યો. જોકે તે સમયે પણ શોભનાએ શરત મૂકી હતી કે લગ્ન બાદ તેઓ ફિલ્મજગત સાથે જોડાયેલા રહેશે અને તેઓ રહ્યા પણ. આ સાથે બન્ને દીકરી તનુજા અને નૂતનને ફિલ્મોમાં લાવવાનો યશ પણ તેમને જ જાય. જોકે નૂતન સાથે તેમનાં સંબંધો લગભગ બે દાયકા સુધી વણસેલા રહ્યા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર નૂતનની તમામ કમાણી શોભના સમર્થે બનાવેલી ફિલ્મ પ્રોડક્શન કંપનીમાં જમા થતી હતી, તેમ છતાં તેમણે આવકના વેરાના અમુક ટકા નૂતનને ભરવા કહ્યું હતુ. આ મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. નૂતનને કેન્સરની બીમારી થયા બાદ બન્ને વચ્ચે થોડી બોલચાલ શરૂ થયાનું મીડિયા અહેવાલો જણાવે છે.
રહી વાત મોતીલાલની, તો પતિથી સમાધાનપૂર્વક અલગ થયેલા શોભનાના પ્રેમમાં મોતીલાલ હતા, પરંતુ શોભનાને તે સમયે તેમના પ્રત્યે કોઈ લાગણી ન હતી. આથી તેઓ થોડા સમય માટે મુંબઈ છોડી ખંડાલા રહેવા ગયા હતા.
ખંડાલામાં તેમના ઘર પર હેલિકોપ્ટર ફરતું હતું અને તેમાંથી પત્થર વરસતા હતા, પણ આ પત્થરો સાથે પ્રેમપત્રો પણ વરસ્યા. મોતીલાલ ફ્લાઈંગ લાયસન્સ ધરાવતા અને પ્રેમિકાને મનાવવા તેમણે આ ખર્ચાળ પ્રયોગ પણ કર્યો હતો. અંતે શોભના માની ગયા અને બન્ને વચ્ચે લાંબા સમય સુધી સંબંદો રહ્યા. જોકે તેમણે આ સંબંધોને કોઈ નામ ન આપ્યું, પણ કહેવાય છે કે શોભનાની દીકરીઓનું કન્યાદાન પણ મોતીલાલે કર્યું હતું.
ફેબ્રુઆરી 2000માં તેઓ પુણે ખાતે અવનાસ પામ્યા. જન્મદિવસના દિવસે તેમને સ્મણાંજલિ