Happy Birthday: હીરોઈનના બૉડી ડબલ તરીકે કામ કર્યું છે આ એવરગ્રીન સ્ટારે

જન્મ પંજાબી પરિવારમાં થયો અને પરિવારે નામ આપ્યું રવિ. એમ જ રાખેલું આ નામ સાચું સાબિત થયું અને દીકરો સૂરજની જેમ ચમક્યો. એવરગ્રીન સ્ટાર તરીકે જાણીતા 80ના દાયકાના ખૂબ જ લોકપ્રિય કલાકાર જીતેન્દ્ર (Jeetendra) નો આજે જન્મદિવસ છે.

ત્રીસેક વર્ષની લાંબી કરિયર ધરાવતા જીતેન્દ્રનો આજે 82મો જન્મદિવસ છે. જિતેન્દ્રનો જન્મ 7 એપ્રિલ, 1942ના રોજ પંજાબી પરિવારમાં થયો હતો. પરિવારે તેમના પુત્રનું નામ રવિ રાખ્યું છે. તેમનો પરિવાર આર્ટિફિશિયલ જ્વેલરીના બિઝનેસમાં હતો, જે ફિલ્મ ઈન્ડસ્ટ્રીને જ્વેલરી સપ્લાય કરતો હતો અને આ રીતે જીતેન્દ્રનો સિનેમાની દુનિયામાં પરિચય થયો હતો.

જીતેન્દ્રએ એકવાર કહ્યું હતું કે અમે નાનકડી ચોલમાં પરિવારના સાત જણ રહેતા અને સૂવાનો વારો બહાર ગેલેરીમાં આવતો. આવી સ્થિતિમાં તેણે દિવસો કાઢ્યો હતા. જોકે જીતેન્દ્ર વિશે એક વાત ઘણા ઓછા જાણતા હશે. જીતેન્દ્રનો લૂક મર્દાના ન હતો, તે ચોકલેટી બૉય દેખાતો. એક વાર તે વી.શાંતારામને ઘરેણા આપવા ગયો હતો. વી. શંતારામની નજર આ રૂપાળા છોકરા પર પડી. તે સમયે શાંતારામ નવરંગ ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા હતા. આ ફિલ્મ 1959માં આવી. આ ફિલ્મની હીરોઈન સંધ્યા (Sandhya) ના બૉડી ડબલ તરીકે જીતેન્દ્રએ કામ કરેલું છે. ત્યારબાદ જીતેન્દ્રને પહેલો બ્રેક પણ આ જ પ્રોડક્શન હાઉસ રાજેશ્રી તરફથી મળ્યો. શાંતારામની દીકરી રાજેશ્રી સાથે જીતેન્દ્રએ ગીત ગાયા પથ્થરોને કરી હતી. 1964માં રીલિઝ થયેલી આ ફિલ્મ ખૂબ જ ચાલી હતી. ત્યારબાદ જીતેન્દ્રએ ઘણી સફળ ફિલ્મો આપી. જીતેન્દ્રની ડ્રેસિંગ સ્ટાઈલ, ડાન્સિંગ સ્ટાઈલ તે સમયના યુવાનો કૉપી કરતા હતા. જીતેન્દ્રએ તેની કારકિર્દીમાં ઘણા સુપરહીટ ગીતો આપ્યા છે, જે આજે પણ સાંભળવા ગમે છે.

1967માં આવેલી ફિલ્મ ફર્ઝ જ તેને લોકપ્રિયતાની ઊંચાઈ પર લઈ ગઈ હતી. ત્યારથી અભિનેતાએ પાછું વળીને જોયું નથી. ફર્ઝના ગીત મસ્ત બહારોં કા મેં આશિક માટે તેણે રિટેલ સ્ટોરમાંથી લીધેલા ટી-શર્ટ અને સફેદ શૂઝ તેનો ટ્રેડમાર્ક બની ગયો.
તેમની 30 વર્ષથી વધુની કારકિર્દી દરમિયાન, જીતેન્દ્રના સિગ્નેચર ડાન્સ સ્ટેપ્સે તેમને જમ્પિંગ જેક ઓફ બોલિવૂડ તરીકે ઓળખતા કરી દીધા. જીતેન્દ્ર આજના સમયમાં પણ એક્ટિવ છે. તેની દીકરી એકતા કપૂર બાલાજી ટેલિફિલ્મ્સના નામે પ્રોડક્શન હાઉસ ધરાવે છે અને તે ટૉપ લિસ્ટમાં છે. દીકરો તુષાર પણ ફિલ્મ લાઈનમાં છે. પત્ની શોભા પણ પ્રોડેક્શ હાઉસમાં એક્ટિવ છે.
જીતેન્દ્રને સ્વસ્થ આયુષ્યની શુભકામનાઓ…