Happy Birthday: હૃદયસ્પર્શી ગીતો અને બેબાક વિચારો રજૂ કરતા આ ગીતકારે આવા લાઈટ સૉગ્સ પણ લખ્યા છે
આજે જે ગીતકાર-લેખકનો જન્મદિવસ છે તે રાજ્યસભાના સભ્ય પણ રહી ચૂક્યા છે. આથી તે દરેક વિષય પર બોલે કે પોતાના વિચારો રજૂ કરે તે સ્વાભાવિક છે, પરંતુ તેમની રજૂઆત અને તેમની છટા તેમજ તેમની તાર્કિક દલીલો તેમના વિરોધી વિચારસરણી ધરાવતા લોકોને પણ ગમી જાય છે. હાલમાં જ તેમણે રામ મંદિર અને હિન્દુત્વ વિશે વાત કરી ત્યારે પણ લોકોએ તેમની વાતને વધાવી જ છે. વાત છે જાવેદ અખ્તરની.
આજે તેઓ તેમનો 79મો જન્મદિવસ મનાવી રહ્યા છે. ગ્વાલિયરમાં જન્મેલા જાવેદ અખ્તરનું મૂળ નામ તો જાડુ હતું. તેઓ માત્ર રૂ.27 હાથમાં લઈ મુંબઈ આવ્યા હતા અને ચાર દિવસ લગભગ ભૂખ્યા પેટે રઝળપાટ કર્યો હતો. ખૂબ જ સંઘર્ષ બાદ ગીતો લખ્યા ને ફિલ્મની વાર્તાઓ લખી અને સલીમ ખાન સાથે જોડી જમાવી નામ અને દામ કમાયા. 1975માં શોલે માટે તેમની જોડીને રૂ. એક કરોડ મળ્યા હતા. આ હિન્દી ફિલ્મજગતની પહેલી ફિલ્મ હતી જ્યારે કોઈ લેખકને એક કરોડ રૂપિયાની ફી મળી હોય. તેઓ ઘણા એવોર્ડ્થી નવાઝવામાં આવ્યા છે અને હજુ પણ એટલી જ તાજગી અને સ્પષ્ટતા તેમની વાતો, તેમની લેખનીમાં છે.
જાવેદ અખ્તર તેમના રોમાન્ટિક, અર્થસભર ગીતો, વાર્તાઓ અને સંવાદો માટે જાણીતા છે, પરંતુ આજે અમે તમને એવા ગીતોની યાદ અપાવીશું જે જાવેદ અખ્તરે લખ્યા છે તે તમને ખબર નહીં હોય અને તમને વિશ્વાસ પણ નહીં આવે.
તેમાં સૌથી પહેલું છે ફિલ્મ તેજાબનુ આઈકોનિક સૉંગ એક દો તીન…હા માધુરી દિક્ષીતની અદાઓથી સુપરહીટ બનેલું આ ગીત જાવેદ અખ્તરે લખ્યું છે. આ જ ફિલ્મમાં તેમણે સો ગઈ યે ઝમી જેવું ટચી સૉંગ પણ લખ્યું છે. આવી જ રીતે શાહરૂખ ખાનની ફિલ્મ ઓમ શાંતિ ઓમનું દિલ મે મેરે હૈ દર્દ-એ-ડિસ્કો, ઝિંદગી ના મિલેગી દોબારાનું સેનોરીટા, રૉક ઑનનું પિછલે સાત દિનોં મે, કભી અલવિદા ના કહેનાનું રૉક એન્ડ રૉલ સોનિયે, કલ હોના હોનુ ઈટ્સ ધ ટાઈમ ટું ડિસ્કો અને તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ આર્ચીઝનું વા વા વુમ પણ જાવેદ અખ્તરની કલમમાંથી નીકળ્યું છે. આ એ જ કલમ છે જેણે દેખા એક ખ્વાબ તો, તુમ ઈતના જો મુસ્કુરા રહે હો, સંદેશે આતે હૈ, એક લડકી કો દેખા, કૂછ ના કહો… જેવા ગીતો લખ્યા છે.
કલાકાર માટે જરૂરી છે કે તેની કલામાં વિવિધતા લાવે અને સમય સાથે ચાલે. જાવેદ અખ્તર આનું લગભગ સૌથી બંધબેસતું ઉદાહરણ છે.
તેમને જન્મદિવસ મુબારક