મનોરંજન

શું ‘બોર્ડર 2’ ના તોફાનમાં ‘મર્દાની 3’ અને ‘મયસભા’ ધોવાઈ ગઈ? જાણી લો રવિવારે બોક્સ ઓફિસ પર કોણે મારી બાજી

મુંબઈ: બોક્સ ઓફિસ પર અત્યારે હાઈ-વોલ્ટેજ ડ્રામા જોવા મળી રહ્યો છે. એક તરફ સની દેઓલની ‘બોર્ડર 2’ પોતાની સફળતાના નવા શિખરો સર કરી રહી છે, તો બીજી તરફ રાની મુખર્જીની ‘મર્દાની 3’ પણ ધીમી ગતિએ આગળ વધી રહી છે. વીકેન્ડના છેલ્લા દિવસે એટલે કે રવિવારે ફિલ્મોના કલેક્શનમાં મોટો ઉછાળો જોવા મળ્યો હતો.

સની દેઓલ સ્ટારર ફિલ્મ ‘બોર્ડર 2’ ને સિનેમાઘરોમાં 10 દિવસ પૂર્ણ થઈ ગયા છે અને આ ફિલ્મ બોક્સ ઓફિસ પર અટકવાનું નામ નથી લઈ રહી. મીડિયા અહેવાલ મુજબ, રવિવારે (10મા દિવસે) ફિલ્મે શાનદાર પ્રદર્શન કરતા ₹22.5 કરોડની કમાણી કરી છે. શનિવારના ₹17.75 કરોડના કલેક્શન સામે રવિવારે નોંધપાત્ર વધારો થયો છે. અત્યાર સુધીમાં ફિલ્મનું કુલ કલેક્શન ₹275.49 કરોડ સુધી પહોંચી ગયું છે, જે જોતા લાગે છે કે ટૂંક સમયમાં જ આ ફિલ્મ ₹300 કરોડના જાદુઈ આંકડા સુધી પહોંચી જશે.

રાની મુખર્જીની એક્શન ડ્રામા ફિલ્મ ‘મર્દાની 3’ એ બોક્સ ઓફિસ પર ધીમી શરૂઆત કરી હતી, પરંતુ વીકેન્ડમાં તેની કમાણીમાં તેજી જોવા મળી છે. રિલીઝના ત્રીજા દિવસે એટલે કે રવિવારે ફિલ્મે ₹7.25 કરોડનું કલેક્શન કર્યું છે. ફિલ્મે પહેલા દિવસે ₹4 કરોડ અને બીજા દિવસે ₹6.25 કરોડ કમાયા હતા. હવે આ ફિલ્મનું કુલ કલેક્શન ₹17.25 કરોડ થઈ ગયું છે. ભલે ‘બોર્ડર 2’ સામે આ આંકડો નાનો લાગે, પરંતુ મજબૂત કન્ટેન્ટને કારણે રવિવારે દર્શકોએ આ ફિલ્મને સારો પ્રતિસાદ આપ્યો છે.

‘તુમ્બાડ’ ફેમ ડિરેક્ટર રાહી અનિલ બર્વેની ફિલ્મ ‘મયસભા’ પાસેથી ઘણી અપેક્ષાઓ હતી, પરંતુ બોક્સ ઓફિસ પર આ ફિલ્મ ખાસ કમાલ કરી શકી નથી. જાવેદ જાફરી સ્ટારર આ ફિલ્મે રવિવારે માત્ર ₹20 લાખની કમાણી કરી છે. શનિવારે આ આંકડો ₹22 લાખ હતો. ત્રણ દિવસમાં આ ફિલ્મ માંડ ₹54 લાખ સુધી પહોંચી શકી છે. અલગ પ્રકારની વાર્તા હોવા છતાં, ‘બોર્ડર 2’ અને ‘મર્દાની 3’ ના ઝંઝાવાત સામે ‘મયસભા’ નું કલેક્શન લાખોમાં જ સમેટાઈ ગયું છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button