મનોરંજન

3 કલાકથી લાંબી હશે સની દેઓલની બોર્ડર 2, શું ધુરંધરને આપી શકશે ટક્કર?

મુંબઈ: સામાન્ય રીતે એવુ માનવામાં આવે છે કે આજના ભાગદોડભર્યા સમયમાં દર્શકો 3 કલાકથી લાંબી ફિલ્મ જોવાનું પસંદ નથી કરતા. જોકે, ‘એનિમલ’, ‘પુષ્પા 2’ અને ‘ધુરંધર’ જેવી ફિલ્મોએ સાબિત કરી દીધું છે કે જો કન્ટેન્ટ મજબૂત હોય તો ફિલ્મની લંબાઈ સફળતામાં આડે આવતી નથી. હવે આ યાદીમાં સની દેઓલની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘બોર્ડર 2’ સામેલ થવા જઈ રહી છે. લેટેસ્ટ રિપોર્ટ્સ મુજબ, આ ફિલ્મનો રનટાઈમ ઘણો લાંબો રાખવામાં આવ્યો છે જેથી યુદ્ધની દરેક ઝીણવટભરી વિગતો પ્રેક્ષકો સુધી પહોંચી શકાય.

મીડિયાના અહેવાલ પ્રમાણે ‘બોર્ડર 2’ની અવધિ લગભગ 3 કલાક અને 20 મિનિટ (200 મિનિટ) જેટલી હશે. મેકર્સનું માનવું છે કે ફિલ્મમાં ચાર મોટા સ્ટાર્સ – સની દેઓલ, વરુણ ધવન, દિલજીત દોસાંજ અને અહાન શેટ્ટી છે, અને આ તમામના પાત્રોને પૂરતો ન્યાય આપવા માટે આટલો સમય જરૂરી છે. ફિલ્મમાં યુદ્ધના દ્રશ્યોની સાથે સાથે ઈમોશનલ ડ્રામા અને દેશભક્તિના એવી ક્ષણો વણી લેવામાં આવી છે જે દર્શકોને સીટ સાથે જકડી રાખશે. જોકે સેન્સર સર્ટિફિકેટ મળ્યા બાદ ચોક્કસ મિનિટોની જાણકારી જાહેર કરવામાં આવશે.

અનુરાગ સિંહના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મમાં સ્ટાર કાસ્ટની લાંબી ફોજ છે, જેમાં મોના સિંહ, સોનમ બાજવા અને મેધા રાણા જેવા કલાકારો પણ મહત્વની ભૂમિકામાં છે. પ્રોડ્યુસર નિધિ દત્તાએ સ્પષ્ટ કર્યું છે કે આ ફિલ્મ બનાવવાનો ઉદ્દેશ્ય તેના પિતા જે.પી. દત્તાની ઓરિજિનલ ‘બોર્ડર’નો રેકોર્ડ તોડવાનો નથી, કારણ કે તે એક ટાઈમલેસ માસ્ટરપીસ છે. તેમનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતીય સૈનિકોની વીરતા અને તેમના બલિદાનની સ્ટોરી નવી પેઢી સુધી પહોંચાડવાનો છે.

ટી-સીરીઝ અને જે.પી. ફિલ્મ્સ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવેલી ‘બોર્ડર 2’ તારીખ 23 જાન્યુઆરીના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. પ્રજાસત્તાક પર્વના વીકેન્ડ પર રિલીઝ થતી હોવાથી આ ફિલ્મ બોક્સઓફિસ પર જંગી કમાણી કરે તેવી પૂરેપૂરી શક્યતા છે. દર્શકો ફરી એકવાર સની દેઓલને યુદ્ધના મેદાનમાં ગર્જતા જોવા માટે આતુર છે. લાંબો રનટાઈમ હોવા છતાં, ફિલ્મના ગીતો અને ડાયલોગ્સ અત્યારથી જ સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર બન્યા છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button