બોક્સ ઓફિસ પર ‘બોર્ડર 2’ નો દબદબો: 2 કલાકમાં જ 75% બુકિંગ વધ્યું

મુંબઈ: ભારતીય સિનેમાના ઇતિહાસમાં સિક્વલ ફિલ્મોનો ક્રેઝ હંમેશા રહ્યો છે, પરંતુ ‘બોર્ડર 2’ એ અપેક્ષા કરતા પણ વધુ ઉમદા દેખાવ કર્યો છે. રિલીઝના આઠ દિવસમાં જ ભારતમાં 250 કરોડથી વધુનો બિઝનેસ કરી આ ફિલ્મે સાબિત કરી દીધું છે કે સની દેઓલનો ‘ઢાઈ કિલ્લો કા હાથ’ આજે પણ બોક્સ ઓફિસ પર ભારે પડે છે. વિશ્વભરમાં આ ફિલ્મે 350 કરોડનો આંકડો વટાવી દીધો છે અને હવે તે ઝડપથી 500 કરોડના ક્લબ તરફ આગળ વધી રહી છે.
શનિવાર એટલે કે ફિલ્મના નવમા દિવસે એડવાન્સ બુકિંગના જે આંકડા સામે આવ્યા છે તે ચોંકાવનારા છે. શુક્રવારની સરખામણીએ શનિવાર સવારના શોમાં ટિકિટ વેચાણમાં 75 ટકાનો જંગી વધારો જોવા મળ્યો છે. માત્ર બે કલાકમાં હજારો ટિકિટો વેચાઈ ગઈ છે. બીજા શનિવારે ફિલ્મે સવારના ગાળામાં જ કરોડોની કમાણી કરી લીધી છે, જે સૂચવે છે કે સાંજ અને રાતના શોમાં થિયેટરો હાઉસફુલ જોવા મળી શકે છે.
બોક્સ ઓફિસ ટ્રેકર સેકનિલ્કના જણાવ્યા અનુસાર, ફિલ્મે નવમા દિવસે બપોર સુધીમાં જ કરોડોની કમાણી કરી લીધી છે, જેના કારણે ભારતનું નેટ કલેક્શન આશરે 237 કરોડને પાર કરી ગયું છે. જોકે, ટી-સીરીઝના સત્તાવાર આંકડાઓ મુજબ આઠ દિવસમાં જ ફિલ્મ 257.50 કરોડની કમાણી કરી ચૂકી છે. આઠમા દિવસે ફિલ્મે 12.53 કરોડનું કલેક્શન મેળવ્યું હતું, જે દર્શાવે છે કે બીજા સપ્તાહમાં પણ પ્રેક્ષકોનો ઉત્સાહ ઓછો થયો નથી.
જે રીતે બીજા શનિવારે એડવાન્સ બુકિંગમાં ઉછાળો આવ્યો છે, તે જોતા ટ્રેડ એનાલિસ્ટ્સ માની રહ્યા છે કે રવિવાર સુધીમાં ફિલ્મ કમાણીના નવા રેકોર્ડ બનાવશે. ફિલ્મને મળી રહેલા અભૂતપૂર્વ પ્રતિસાદથી સની દેઓલ અને ફિલ્મની આખી ટીમ ઉત્સાહિત છે. લાંબા સમય બાદ કોઈ દેશભક્તિ આધારિત ફિલ્મે પ્રેક્ષકોને આ રીતે સિનેમાઘરો સુધી ખેંચી લાવવામાં સફળતા મેળવી છે.



