બોક્સ ઓફિસ પર ‘બોર્ડર 2’ નો દબદબો: 300 કરોડ ક્લબમાં એન્ટ્રી સાથે તોડ્યા અનેક રેકોર્ડ

મુંબઈ: દેશભક્તિના જુસ્સા સાથે સિનેમાઘરોમાં આવેલી ફિલ્મ ‘બોર્ડર 2’ બોક્સ ઓફિસનો દબદબો યથાવત્ જોવા મળી રહ્યો છે. વર્ષ 1997 માં આવેલી ક્લાસિક ફિલ્મ ‘બોર્ડર’ની આ સિક્વલે દર્શકોના દિલ જીતી લીધા છે. મજબૂત સ્ટારકાસ્ટ અને શાનદાર ડાયરેક્શનના જોરે આ ફિલ્મે માત્ર બે અઠવાડિયામાં જ કમાણીના નવા શિખરો સર કર્યા છે. સિનેમાઘરોમાં હજુ પણ ભીડ યથાવત છે, જે દર્શાવે છે કે દર્શકોમાં આ ફિલ્મ પ્રત્યે કેટલો ક્રેઝ છે.
લેટેસ્ટ રિપોર્ટ્સના આંકડા મુજબ, ફિલ્મે તેના 16મા દિવસે અંદાજે 4.25 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ સાથે જ ફિલ્મનું કુલ કલેક્શન હવે 301.5 કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે. ખાસ વાત એ છે કે બીજા અઠવાડિયા પછી પણ ફિલ્મના કલેક્શનમાં લગભગ 49% નો ઉછાળો જોવા મળ્યો છે. જોકે સત્તાવાર આંકડા જાહેર થવાના બાકી છે, પરંતુ આ અંદાજિત કમાણીએ પણ સાબિત કરી દીધું છે કે ફિલ્મ હવે બ્લોકબસ્ટરની યાદીમાં સામેલ થઈ ગઈ છે.
કમાણીની રેસમાં ‘બોર્ડર 2’ એ બોલીવુડની ઘણી મોટી ફિલ્મોને પાછળ છોડી દીધી છે. આ ફિલ્મે ‘ધૂમ 3’ (290 કરોડ) અને સલમાન ખાનની ‘સુલતાન’ (300 કરોડ) ના લાઈફટાઈમ કલેક્શનના રેકોર્ડ તોડી નાખ્યા છે. હવે આ ફિલ્મની નજર ‘પદ્માવત’, ‘વોર’ અને ‘બજરંગી ભાઈજાન’ જેવી ફિલ્મો પર છે. જે રીતે ફિલ્મ આગળ વધી રહી છે, તે જોતા આગામી દિવસોમાં તે 325 કરોડનો આંકડો પણ આસાનીથી પાર કરી લેશે તેવું જણાય છે.
અનુરાગ સિંહના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મમાં વરુણ ધવન, દિલજીત દોસાંજ અને અહાન શેટ્ટી જેવા કલાકારોએ જીવ રેડી દીધો છે. અનુરાગ સિંહ અગાઉ ‘કેસરી’ જેવી હિટ ફિલ્મ આપી ચૂક્યા છે, તેથી તેમની પાસેથી દર્શકોને ઘણી અપેક્ષાઓ હતી જે પૂર્ણ થતી દેખાય છે. ફિલ્મના કલેક્શનની વાત કરીએ તો પ્રથમ અઠવાડિયે 224.25 કરોડ અને બીજા અઠવાડિયે 70.15 કરોડનું બિઝનેસ કરીને ‘બોર્ડર 2’ એ બોક્સ ઓફિસ પર પોતાની પકડ મજબૂત બનાવી રાખી છે.
આપણ વાંચો: ખતરોં કે ખિલાડી-15: બે વર્ષ બાદ રોહિત શેટ્ટીની ધમાકેદાર વાપસી, પહેલા પ્રોમોએ જ ઉડાવ્યા હોશ!



