Happy Birthday: સપના સાકાર કરવાની કોઈ ઉંમર નથી હોતી તેમ સાબિત કર્યુ આ કલાકારે
બોલિવૂડમાં અનેક કલાકારો એવા છે જેમને તેમના માતા-પિતાના કે પરિવારના અન્ય સભ્યોના જોરે ઇન્ડ્સ્ટ્રીમાં ઓળખ મળી છે. ફિલ્મમાં રોલ મેળવવા તેમને ખાસ કંઇ મહેનત નથી કરવી પડી. તો કેટલાય લોકોએ આ ઝાકઝમાળભરી દુનિયામાં પ્રવેશ મેળવવા માટે ઘણી મહેનત કરવી પડી છે.
ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરીને નામ દામ કમાવાના સપના જોતા અનેક લોકો મોહમયી માયાનગરી મુંબઇમાં આવતા હોય છે, પણ એમાંથી કોઇક કોઇકના જ સપના સાકાર થતા હોય છે. આજે આપણે એવા જ એક બર્થ ડે કલાકાર વિશે વાત કરીશું જેમનું નામ સિનેમા જગતના પ્રતિભાશાળી કલાકારોમાં લેવામાં આવે છે. જોકે, ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એમનો કોઇ ગોડ ફાધર નહોતો કે તેઓ નેપો કિડ્સ પણ નહોતા, પણ માત્રને માત્ર પોતાની પ્રતિભાને જોરે ભારે મહેનત બાદ તેઓ આગળ આવ્યા છે. તેમણે બેકરીમાં ય કામ કર્યું છે, દુકાનમાં ચીપ્સ પણ વેચી છે અને વેઇટરની નોકરી પણ કરી છે અને ફોટોગ્રાફી તેમ જ થિયેટર પણ કર્યું છે, પણ એક વાર બોલિવૂડમાં મોકો મળ્યો પછી તેમણે કદી પાછું વાળીને નથી જોયું.
આપણે વાત કરી રહ્યા છે પ્રતિભાશાળી કલાકાર બોમન ઈરાનીની. તેઓ ઈન્ડસ્ટ્રીના અનુભવી કલાકારોમાંથી એક છે. જ્યારે પણ તેઓ સ્ક્રીન પર આવે છે, ત્યારે તે એક અલગ જ છાપ છોડે છે, પછી તે નકારાત્મક ભૂમિકા હોય કે કોમિક ભૂમિકા. બોમન તેમના દરેક પાત્રમાં જાન રેડી દે છે. ‘મુન્નાભાઈ એમબીબીએસ’ના ડૉક્ટર અસ્થાનાની ભૂમિકા હોય કે પછી ‘3 ઈડિયટ્સ’ના વીરુ સહસ્ત્રબુદ્ધે એટલે કે વાયરસ. આ પાત્રોમાં તેમણે મોટા પડદા અને દર્શકોના દિલો પર અમીટ છાપ છોડી છે. બોમન ઈરાની ભલે આજે એક સફળ અભિનેતા તરીકે ઓળખાય છે, પરંતુ ફિલ્મોમાં આવતા પહેલા તેઓએ સખત સંઘર્ષ કર્યો છે.
આ પણ વાંચો : અભિષેક અને ઐશ્વર્યાએ સાથે જ ઉજવ્યો આરાધ્યાનો જન્મદિવસ; આ વિડીયોથી અટકળો પર મીંડું…
બોમન ઈરાની આજે પોતાનો 65 મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. તેમણે પહેલી ફિલ્મ કરી ત્યારે તેમની ઉંમર 44 વર્ષની હતી. તેમણે અને અનુપમ ખેર જેવા કલાકારોએ સાબિત કરી દીધું છે કે સફળતા કોઇ પણ ઉંમરે મળી શકે છે. કારકિર્દીમાં 100 થી વધુ ફિલ્મોમાં કામ કરનારા બોમન ઇરાનીના અભિનય કૌશલ્યના તો વખાણ કરીએ એટલા ઓછા છે, પણ તેમને ફિલ્મ ઇન્ડ્સ્ટીમાં લાવનારા હતા નિર્માતા વિધુ વિનોદ ચોપરા.
42 વર્ષની ઉંમરે જ્યારે તેમને શોર્ટ ફિલ્મમાં કામ કરવાની તક મળી ત્યારે વિધુ વિનોદ ચોપરાની નજરમાં તેઓ આવી ગયા. તેમણે આ શોર્ટ ફિલ્મ જોઇ અને તેમને બે લાખનો ચેક આપ્યો. આ ચેક આપ્યા બાદ નિર્માતાએ તેમને કહ્યું હતું કે તેઓ તેમને તક આપશે અને પછી આવી બોમન ઇરાનીની ‘મુન્નાભાઈ MBBS’.આ ફિલ્મથી બોમન ઇરાની રાતોરાત સેન્સેશન બની ગયા હતા. આ પછી તેમણે ક્યારેય પાછળ વળીને જોયું નથી.
આજે તેમનો બર્થ ડે છે. આપણે તેમને શુભકામના આપી દઇએ.