બૅન્ગલૂરુના સ્ટેજ પર બૉલીવૂડના સિતારાઓ છવાઈ ગયા
બેન્ગલૂરુ: દેશ-વિદેશની ટોચની અને ઊભરતી મહિલા ક્રિકેટરો માટેની વિમેન્સ પ્રીમિયર લીગ (ડબ્લ્યૂપીએલ)ની બીજી સીઝનની મુંબઈ ઇન્ડિયન્સ તથા દિલ્હી કૅપિટલ્સ વચ્ચેની મૅચની શરૂઆત થઈ અને એની ખેલાડીઓ મેદાન પર પર્ફોર્મ કરવા માટે ઊતરી એ પહેલાં જ બૉલીવૂડ સુપરસ્ટાર શાહરુખ ખાન સહિત અનેક સિતારાઓએ ઓપનિંગ સેરેમનીમાં પર્ફોર્મ કરીને હજારો પ્રેક્ષકોને તેમ જ કરોડો દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
કિંગ ખાન ઉપરાંત બૉલીવૂડ અભિનેતા શાહિદ કપૂર, કાર્તિક આર્યન, વરુણ ધવન અને ટાઇગર શ્રોફ પણ અહીંના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં પોતાની કસબ દેખાડવા માટે થનગની રહ્યા હતા. સિદ્ધાર્થ મલ્હોત્રા ક્રિએટિવ કૉન્સેપ્ટ આવ્યો હતો. તે સ્ટેજ પર પર્ફોર્મ કરતા પહેલાં મુંબઈ ઇન્ડિયન્સના ડગઆઉટમાં જોવા મળ્યો હતો.
કાર્તિક આર્યને ગજબની ઊર્જા સાથે ‘ભૂલ ભૂલૈયા’ના ગીત પર પર્ફોર્મ કર્યું હતું. તે ડબ્લ્યૂપીએલની ગુજરાત જાયન્ટ્સની ટીમનું પ્રતિનિધિત્વ કરી રહ્યો હતો. સિદ્ધાર્થ મલ્હોત્રાએ દિલ્હીની ટીમનું પ્રતિનિધિત્વ કરીને ‘કાલ ચશ્મા’ ગીત પર પર્ફોર્મ કરીને સૌ કોઈના મન મોહી લીધા હતા. ટાઇગર શ્રોફ બૅન્ગલોરની ટીમના ડ્રેસમાં હતો અને ઇલેકટ્રિફાઇંગ ડાન્સ મૂવ્ઝથી બધાને મોહિત કર્યા હતા. વરુણ ધવનમાં પણ ગજબની ઊર્જા છે અને તેણે ઍથ્લીટ જેવી સ્ટાઇલ અને પોતાની આગવી સ્ટાઇલના સંયોજન સાથે સ્ટેજ ગજાવ્યું હતું. શાહીદ કપૂર પણ સેરેમનીમાં છવાઈ ગયો હતો અને કિંગ શાહરુખ ખાને વિશ્ર્વમાં મહિલાઓની જે આગવી ભૂમિકા રહી છે એના ઉલ્લેખ સાથે સ્પીચ આપી હતી અને નોખા પર્ફોર્મન્સથી બધાને ચકિત કરી દીધા હતા.
છેલ્લે ડબ્લ્યુપીએલની પાંચેય ટીમની કૅપ્ટનોએ શાહરુખ સહિતના સિતારાઓ સાથે પોઝ આપ્યો હતો.