Dhai Aakhar Movie reviewઃ ધડમાથા વિનાની ફિલ્મો સામે મનને ઠંડક આપે છે આ સાહિત્યિક કૃતિ…
22મી નવેમ્બરે થિયેટરોમાં આવનારી ફિલ્મની યાદીમાં પણ જે ફિલ્મનું નામ નહીં હોય તે ઢાઈ અખર ફિલ્મનો રિવ્યુ વાંચ્યા બાદ તમને ફિલ્મ જોવાનું મન થી પણ જાય. જોકે બિગ બજેટ ફિલ્મોને લીધે આ ફિલ્મને ઘણા ઓછા થિયેટર મળ્યા હશે એટલે તમારે પહેલા તો થિયેટર શોધવું પડશે, પણ જો મનને ઠંડક આપતી ઈમોશનલ ફિલ્મો જોવાનું મન હોય તો ચોક્કસ આ ફિલ્મ જોવા જજો
આ પણ વાંચો : આવો, યાદ કરીએ હૃદયસ્પર્શી સ્વરાંકનના સર્જક સલિલ ચૌધરીને…
બાયોપિક અને સત્ય ઘટનાઓ પર બનતી ફિલ્મોના રાફડા વચ્ચે આ ફિલ્મ અમરિક સિંહ દિપની તીર્થાટન કે બાદ નામની નવલકથા પર આધારિત છે. અમરિક સિંહ સાથે ફિલ્મમાં અસગર વજાહત જોડાયા છે અને પ્રવીણ અરોડાના નિર્દેશનમાં ફિલ્મ બની છે.
આ એ સમયની વાત છે જ્યારે પત્ર લખવા પણ એક શોખ હતો અને એક બે પત્રોની આપ-લે વચ્ચેની પ્રતીક્ષામા જીવન જીવાઈ જતું હતું. ફિલ્મ એ સમયની પતિના ત્રાસથી પીડિત મહિલા હર્ષિતા આસપાસ ઘૂમે છે, જેને પદડા પર મૃણાલિની કુલકર્ણીએ સાકાર કરી છે.
કજોડા એવા આ કપલને બે સંતાન છે, પણ નાના દીકરાની વહુ સાસુના જીવનમાં વસંત લાવે છે. 80ના દાયકા આસપાસ રચાયેલી આ વાર્તામાં અજાણ્યા પુરુષને પતિ માની આખો જીવન તેનો ભાર વંઢોરતી મહિલાની તમામ બાકી રહી ગયેલી ઈચ્છાઓની વાત છે.
પતિના દુરાચારથી મનને હટાવવા વહુ તેને છાપા કે પત્રિકા વાંચવાની સલાહ આપે છે. વાંચતા વાંચતા એક લેખની વાર્તા હર્ષિતાને બહુ ગમે છે કારણ કે તે પોતાના જીવનની આસપાસ ફરતી હોય છે. આ લેખક સાથે પત્ર લખવાનો દૌર શરૂ થાય છે. મોટા દીકરાને આ વાતની ખબર પડતા બબાલ થાય છે ને વાર્તા આગળ વધે છે.
ફિલ્મનું નિર્દેશન વાર્તાની દૃષ્ટિએ સારું છે, પરંતુ સાહિત્યિક કૃતિને કચકડામાં કંડારતા જે મર્યાદાઓ આવે તે ફિલ્મમાં જોવા મળે છે. આ સાથે મૃણાલિની ખૂબ સારી કલાકાર છે, પરંતુ દર્શકોને થિયેટર સુધી ખેંચી લાવે તેમ નથી.
લેખક શ્રીધરની ભૂમિકામાં હરિશ ખન્ના ઝાખા પડે છે તો બન્ને દીકરાનું કાસ્ટિંગ પણ બરાબર ન થયું હોવાનું જાણાઈ છે. હર્ષિતાની નાની વહુ તરીકે પ્રસન્ના બિષ્ટનો અભિનય સૌનું ધ્યાન ખેંચનારો છે. ગામડાની શિક્ષિત વહુની ભૂમિકામાં તેણે કમાલ કરી છે.
આ પણ વાંચો : સલીમ ખાનની પોતાની ‘ટ્રેજિ-કોમિક’ કહાની!
હા, એ વાત ખરી કે ફિલ્મ મનોરંજન માટે અને હળવા થવા માટે હોય છે, પરંતુ આ સાથે ફિલ્મ તમારા ઈમોશન્સને જગાવનારી પણ હોય છે. આ ફિલ્મ ચોક્કસ તમને તમારી સાથે જોડી રાખશે. સાવ જ કથડેલી સ્ટોરી, એકના એક એકશ્ન સિન્સ, ન ગમતા ચેનચાળાતી કંટાલ્યા હો તો આ ફિલ્મ તમારી માટે એક રિફ્રેશિંગ એક્સપિરિયન્સ રહેશે.
મુંબઈ સમાચાર રેટિંગઃ 3.5/5