2024નું વર્ષ રહ્યું આટલી Celebritiesના નામે

2024નું વર્ષ ખૂબ જ હેપનીંગ રહ્યું હતું અને એમાં પણ મનોરંજનની દુનિયા માટે તો આ વર્ષ એકદમ મસાલેદાર રહ્યું છે. આ જ વર્ષે અનેક સ્ટાર્સ સિંગલમાંથી મિંગલ થયા, કેટલાક કપલ બેમાંથી ત્રણ પણ થયા તો કેટલા કપલ્સ છૂટા પણ પડ્યા… આ જ વર્ષે ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચનના ડિવોર્સથી લઈને અલ્લુ અર્જુનની ધરપકડના સમાચારથી પેજ થ્રી એકદમ પોપ્યુલર રહ્યું હતું. આવો નજર કરીએ 2024ના આવા જ કેટલાક બહુચર્ચિત વિવાદો પર…
ઐશ્વર્યા રાય-અભિષેક બચ્ચનના ડિવોર્સની અફવા

ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચન આ આખું વર્ષ તેમની પર્સનલ લાઈફને કારણે ચર્ચામાં રહ્યા હતા. બંને વચ્ચે અવારનવાર અણબનાવના અહેવાલો સામે આવતા રહે છે.
એવા પણ અહેવાલો આવી રહ્યા હતા કે બંને જણ ટૂંક સમયમાં જ ડિવોર્સ લેવાના છે. મુકેશ અંબાણીના પુત્ર અનંતના લગ્નમાં પણ બંને અલગ-અલગ પહોંચ્યા હતા અને ત્યારથી જ તેમના રિલેશનશિપને લઈને ચર્ચાઓએ જોર પકડ્યું હતું. જોકે, અભિષેક કે ઐશ્વર્યા બંનેમાંથી કોઈએ કંઈ પણ કહેવાનું ટાળ્યું છે. થોડાક સમય પહેલાં જ અભિષેક બચ્ચને વેડિંગ રિંગ ફ્લોન્ટ કરીને હું હજી મેરિડ છું એવું કહ્યું હતું.
પૂનમ પાંડેના મૃત્યુના ફેક ન્યુઝઃ

ફિલ્મ ઈન્ડસ્ટ્રીની જાણીતી એક્ટ્રેસ પૂનમ પાંડેએ ફેબ્રુઆરી, 2024માં પોતાના મૃત્યુના ફેક સમાચારને કારણે લાઈમલાઈટમાં રહી હતી.પૂજાના મેનેજરે જ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જાણ કરી હતી સર્વાઈકલ કેન્સરને કારણે પૂનમનું નિધન થયું હતું. પરંતુ બાદમાં ખ્યાલ આવ્યો કે આ તો એક માર્કેટિંગ સ્ટંટ હતો. પૂનમે પોતે પણ બાદમાં વીડિયો શેર કર્યો અને કહ્યું કે તે સર્વાઇકલ કેન્સર વિશે જાગૃતિ ફેલાવવા માંગતી હતી, તેથી જ તેણે આવું પગલું ભર્યું હતું.
કંગના રનૌત થપ્પડકાંડઃ

બોલીવૂડની કોન્ટ્રોવર્સી ક્વીન કંગના રનૌત અવારનવાર કોઈને કોઈ વિવાદમાં ફસાતી હોય છે. આ વર્ષે જ કંગના રનૌત મંડી લોકસભા ચૂંટણી જીતીને સાંસદ બની હતી. જિત બાદ જ્યારે કંગના પહેલી વખત સંસદ જઈ રહી હતી ત્યારે તેની સાથે ચંદીગઢ એરપોર્ટ પર સીઆઈએસએફ ગાર્ડે થપ્પડ મારી દીધી હતી. આ પછી કંગનાએ સોશિયલ મીડિયા પર આ ઘટના વિશે વાત કરી અને વીડિયો શેર કર્યો હતો.
સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગઃ

બોલીવૂડના દબંગ સુપરસ્ટાર સલમાન ખાનના ઘરની બહાર આ જ વર્ષે એપ્રિલ, 2024માં બે શૂટર દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ જ દરમિયાન સલમાન ખાનને અનેક વખત જાનથી મારી નાખવાની ધમકીઓ પણ મળી હતી. લોરેન્સ બિશ્નોઈ ગેંગ દ્વારા તેના ઘરની બહાર ફાયરિંગની જવાબદારી લેવામાં આવી હતી.
અલ્લુ અર્જુનની અરેસ્ટ

સાઉથના સુપર સ્ટાર અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા 2 હાલમાં થિયેટરમાં ધમાલ મચાવી રહી છે, પરંતુ આ જ ફિલ્મના પ્રીમિયર દરમિયાન થયેલી નાસભાગમાં એક મહિલાનું મોત થયું હતું. આ જ કેસમાં પોલીસ દ્વારા અલ્લુ અર્જુનની ધરપકડ કરવામાં આવી હતી. જોકે, ત્યાર બાદ તેનેજામીન પર છોડવામાં આવ્યો છે. આ મામલે પોલીસ તપાસ કરી રહી છે અને હજી મામલો કોર્ટમાં છે.
નયનતારા અને ધનુષ વચ્ચેનો વિવાદ

સાઉથના બે સુપરસ્ટાર નયનતારા અને ધનુષ વચ્ચે 3 સેકન્ડની ક્લિપને લઈને મોટો વિવાદ ઊભો થયો હતો. નયનતારાએ તેની ડોક્યુમેન્ટ્રી ‘નયનતારાઃ બિયોન્ડ ધ ફેરી ટેલ’માં ધનુષની ફિલ્મ ‘નાનુમ રાઉડી ધાન’ના ગીત અને એના વિઝ્યુઅલનો ઉપયોગ કર્યો હતો. આ ફિલ્મમાં નયનતારા પણ હતી. બંને વચ્ચેનો વિવાદ એટલો વધી ગયો હતો કે ધનુષે નયનતારાને 10 કરોડ રૂપિયાની માંગણી કરતી લીગલ નોટિસ પણ ફટકારી દીધી હતી.