‘ગુલાબ ગેંગ’ ફેમ અભિનેત્રી તનિષ્ઠા ચેટર્જીને કેન્સરની ચિંતા નથી, પણ આ વાતથી પરેશાન

મુંબઈઃ બોલીવુડની જાણીતી ફિલ્મો ‘ગુલાબ ગેંગ’, ‘પાર્ચ્ડ’ અને ‘જોરમ’ વગેરે ફિલ્મો માટે જાણીતી અભિનેત્રી તનિષ્ઠા ચેટર્જીએ એક ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. તેણે જણાવ્યું હતું આઠ મહિના પહેલા તેને સ્ટેજ 4 કેન્સર (ઓલિગોમેટાસ્ટેટિક)નું નિદાન થયું હતું. આ ઉપરાંત આ જ ખરાબ સમયમાં તેણે પોતાના પિતાને પણ કેન્સરના કારણે ગુમાવ્યા હતા. તનિષ્ઠાએ સોશિયલ મીડિયા પર એક ભાવુક પોસ્ટ શેર કરી, જેમાં તેણે ‘સિસ્ટર-હુડ’નો ઉલ્લેખ કર્યો હતો.

44 વર્ષની તનિષ્ઠાએ આજે એક તસવીર શેર કરી હતી, જેમાં તેઓ સોફા પર બેઠેલી અને હસતી જોવા મળે છે. તેણે લખ્યું કે આ પોસ્ટ દુઃખ વિશે નથી, પરંતુ પ્રેમ, હિંમત અને સાચી ચિંતા વિશે છે. તેણે જણાવ્યું કે તેમની 70 વર્ષની માતા અને 9 વર્ષની દીકરી સંપૂર્ણપણે તેમના પર નિર્ભર છે, જે તેમની સૌથી મોટી ચિંતા છે. આ પોસ્ટમાં તેણે દિયા મિર્ઝા, કોંકણા સેન શર્મા, શબાના આઝમી, દિવ્યા દત્તા અને વિદ્યા બાલન જેવી અભિનેત્રીઓ સાથેની તસવીર પણ શેર કરી હતી.
આ પણ વાંચો: ઓડીશામાં ગુલાબી ગેંગ જસ્ટિસ! મહિલાઓએ બળાત્કારીને મારીને સળગાવી દીધો
તનિષ્ઠાએ જણાવ્યું કે આ મુશ્કેલ સમયમાં તેને પોતાના મિત્રો અને પરિવાર તરફથી અપાર પ્રેમ અને સમર્થન મળ્યું, જે તેના માટે એક ખુશ થવાનું કારણ લાવ્યા. તેણે કહ્યું કે આ પ્રેમે તેમને ક્યારેય એકલા પડવા દીધા નથી. તેના માટે આ સમર્થન એક એવી તાકાત બની ગયું, જેણે સૌથી અઘરા દિવસોમાં પણ તેને હિંમત આપી. આ ભાવનાત્મક પોસ્ટે ઘણા લોકોના દિલ જીતી લીધા છે.
મીડિયા સાથેની વાતચીતમાં તનિષ્ઠાએ જણાવ્યું કે તેને કેન્સરનું નિદાન એક આઘાતજનક સમાચાર હતું, કારણ કે તેણે હંમેશાં સ્વસ્થ જીવનશૈલી અપનાવી હતી. તેણે કહ્યું કે કેન્સર જેવી બીમારીનું કોઈ સ્પષ્ટ કારણ હોતું નથી, અને આવી પરિસ્થિતિ માટે કોઈ તૈયારી કરી શકાતી નથી. આ સમાચારે તેના પરિવાર અને મિત્રોને હચમચાવી દીધા હતા. તેણે ઉમેર્યું કે છેલ્લા આઠ મહિના માત્ર સારવારના જ નહીં, પરંતુ વીમા જેવી વ્યવહારિક મુશ્કેલીઓ સાથે પણ સંઘર્ષભર્યા રહ્યા છે