બોલિવૂડ એક્ટ્રેસ રકુલ પ્રીત સિંહના ભાઈ અમનની ડ્રગ્સ મામલામાં ધરપકડ

હૈદરાબાદ: બોલિવૂડ એક્ટ્રેસ રકુલ પ્રીત સિંહના (Rakul preet singh) ભાઈ અમન પ્રીત સિંહને (Aman preet singh) લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. હાલ તેની મુશ્કેલીમાં વધારો થતો દેખાઈ રહ્યો છે. મીડિયા અહેવાલો અનુસાર, સોમવારે કથિત ડ્રગ્સના કેસમાં હૈદરાબાદ પોલીસે અમન પ્રીત સિંહની અને અન્ય ચાર લોકોની ધરપકડ કરી છે.
પ્રાપ્ત થતી વિગતો અનુસાર અમન પ્રીત સિંહની ડ્રગ્સ કેસમાં ધરપકડની માહિતી હૈદરાબાદ પોલીસે જ શેર કરી છે. સોમવારે હૈદરાબાદ પોલીસે એક કોન્ફરન્સ યોજીને ધરપકડની માહિતી આપી હતી. પોલીસે કહ્યું હતું કે અમન પ્રીત સિંહની ડ્રગ સ્મગલિંગના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. હૈદરાબાદની રાજેન્દ્ર નગર SOT પોલીસ અને નાર્કોટિક્સ બ્યુરો દ્વારા ચલાવાયેલ સયુંકત ઓપરેશનમાં અન્ય ચાર લોકો સાથે અમનની પણ ધરપકડ કરવામાં આવી છે.
પોલીસના જણાવ્યા અનુસાર અમનની ધરપકડ બાદ હવે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. પોલીસે કહ્યું હતું કે અમને ડ્રગ્સનું સેવન કર્યું હતું અને ટેસ્ટમાં પણ તે પોઝિટિવ આવ્યો છે. તેની સાથે આ કેસમાં જ ટેસ્ટમાં પોઝિટિવ આવેલા 12 લોકોની પણ માહિતી આપી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર તેણે કોકેઈનનું સેવન કર્યું હતું અને ટેસ્ટમાં પોઝિટિવ મળી આવ્યો હતો. આ મામલે વધુ નિવેદન આપવાને લઈને પોલીસે કહ્યું હતું કે આ તપાસનો વિષય છે જે અમન કોની સાથે સંકળાયેલો છે અને તેનો આરોપી સાથેનો સબંધ ક્યારે બંધાયો. આ અંગે નિવેદન તપાસ બાદ જ આપીશું. આરોપીઓમાં ભારતીયોની સાથે નાઈજીરિયન લોકોનો પણ સમાવેશ થાય છે, અને તેમાં અનેક લોકો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. પોલીસ અમનના આરોપી સાથેના સબંધને લઈને કહ્યું હતું કે લગભગ દોઢેક વર્ષથી આ સબંધ હોય શકે છે.
પોલીસ દ્વાર રકુલને ED દ્વારા ડ્રગ્સ કેસમાં કથિત મની લોન્ડરિંગ કેસમાં જોડવાને લઈને પણ સવાલ કરવામાં આવ્યા હતા. આ મામલે પોલીસે જણાવ્યું હતું કે “આ કેસ સાથે તેને કોઈ લેવાદેવા નથી અને અમે તેની તપાસ પણ નથી કરી રહ્યા, તેનું નામ ખોટી રીતે ખેંચવાની જરૂર નથી.”