સ્વતંત્રતા દિવસ પર બોર્ડર-2ના નિર્માતાઓએ દર્શકોને આપી ભેટઃ રિલિઝ ડેટની કરી જાહેરાત

આજે આખો દેશ સ્વતંત્રતા દિવસના રંગે રંગાયેલો છે. 15મી ઑગસ્ટની શુભકામનાઓ ફિલ્મી સેલિબ્રિટી પણ આપી રહ્યા છે. ત્યારે દર્શકોને આજે એક ખાસ ખુશખબર મળી છે. દેશભક્તિથી ભરેલી એક દમદાર ફિલ્મની સિક્વલની તારીખ આજે રિલિઝ થઈ છે. સન્ની દેઓલ, વરૂણ ધવન અને અહાન શેટ્ટીને ચમકાવતી બોર્ડર-2ની રિલિઝ ડેટ આજે નિર્માતાઓએ જાહેર કરી છે.
આ જાહેરાત સાથે તેમણે એક મોશન પોસ્ટર પણ રિલિઝ કર્યું છે. આ પોસ્ટરમાં સન્ની દેઓલના ખભ્ભા પર તોપ છે અને આગ દેખાઈ રહી છે. જોકે તેના કરતા વધારે આગ સન્ની દેઓલની આંખોમાં દેખાઈ રહી છે. સન્ની આ લૂકમાં એકદમ હીમેન લાગે છે. પોસ્ટર સાથે કેપ્શન લખી છે હિન્દુસ્તાન કે લીયે લડેંગે ફીર એકબાર.
આપણ વાંચો: સની દેઓલની ‘બોર્ડર-2’ની રિલીઝ ડેટ જાહેર
.1971ના ભારત પાકિસ્તાન યુદ્ધ પર આધારિત જેપી દત્તાની ફિલ્મ આજેપણ દર્શકોને યાદ છે. સન્ની દેઓલ, સુનીલ શેટ્ટી, જેકી શ્રોફ, કુલભૂષણ ખરબંદા, અક્ષય ખન્ના, સુદેશ બેરી, પૂજા ભટ્ટ, રાખી જેવા ભારેખમ સ્ટારકાસ્ટ સાથેની આ ફિલ્મ વૉર ફિલ્મની કેટેગરીમાં આવતી શ્રેષ્ઠ ફિલ્મોમાંની એક છે.
હવે તેનો બીજો ભાગ આવી રહ્યો છે જે અનુરાગ સિંહ ડિરેક્ટ કરીન રહ્યા છે. આ ફિલ્મ 22મી જાન્યુઆરી, 2026ના રોજ રિલિઝ થશે. 26 જાન્યુઆરી એટલે કે ગણતંત્ર દિવસ પહેલાના શુક્રવારે આ ફિલ્મ રિલિઝ થશે. તો હવે તમારે 22 જાન્યુઆરીની રાહ જોવાની છે.