મનોરંજન

હેપ્પી બર્થ ડેઃ આજે આ ગુજરાતી સિંગલ વુમને 82માં વર્ષમાં પ્રવેશ કર્યો

સિંગલ બાય ચોઈસ નોટ બાય ફોર્સ-આવું કહેનારી આજે ઘણી યુવતીઓ તમને મળશે, પરંતુ 70 80ના દાયકામાં આ નિર્ણય એટલો સરળ ન હતો. જોકે આપણી ગુજરાતી અદાકારાએ તે સમયે આ નિર્ણય લીધો હતો અને આજીવન અપણિત રહ્યા. જોકે તેમના જીવનમાં પણ કોઈ હતું અને આ વિશે તેમણે વાત પણ કરી છે. આપણે વાત કરીએ છીએ આશા પારેખની.
આજકાલ સેલિબ્રિટી કપલ્સ જ નહીં, સામાન્ય દંપતીના છૂટાછેડા સામાન્ય થઈ ગયા છે. મોટે ભાગે બન્નેમાંથી એક પાત્રને બીજું કોઈ ગમી જતા બન્ને રાજીખુશીથી અલગ થઈ જાય છે. નવા યુગ પ્રમાણે આ સ્વીકાર્ય હશે, પરંતુ એક સમયે ફિલ્મી હસ્તીઓ માટે પણ આ આસાન ન હતું.


જોકે એવી ઘણી હસ્તીઓ છે, જેમના પહેલા લગ્ન તૂટ્યા હોવાનું કારણ તેમનો અન્ય સાથેનો પ્રેમસંબંધ હોય, પણ આપણી ગુજરાતી અદાકારાને આ મંજૂર ન હતું કે પોતે જેને પ્રેમ કરે છે તેનુ ઘર તૂટે અને તેથી તે આજીવન કુંવારા રહ્યા. પદ્મશ્રી અને દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત આશા પારેખનો આજે 82મો જન્મદિવસ છે. તેમણે તેમની બાયોગ્રાફી આશા પારેખઃ ધ હીટ ગર્લમાં દિલ ખોલીને વાત કરી છે. આ સાથે અમુક ઈન્ટરવ્યુમાં પણ તેમણે અમુક કિસ્સાઓ શેર કર્યા છે.

પોતે સિંગલ રહેવાનો નિર્ણય કર્યો તે પાછળનું કારણ જણાવતા તેમણે કહ્યું હતું કે તેઓ તે સમયના ખ્યાતનામ નિર્દેશક નાસિર હુસૈનના પ્રેમમાં ગળાડૂબ હતા, નાસિર પરણેલા હતા અને તેઓ તેમનું ઘર ભાંગી પોતાનો સંસાર માંડવા માગતા ન હતા. આથી તેમણે લગ્ન ન કર્યા. નાસિરના પત્નીને આ વાતની ખબર હોવા છતાં આશા સાથેનો તેમના સંબંધો મૈત્રીપૂર્ણ રહ્યા હતા. જોકે નાસિરના પત્નીના દેહાંત બાદ નાસિક એકલા હતા ત્યારે પણ આશાએ આવા કોઈ સંબંધો વિશે વિચાર્યું ન હતું. પત્નીના અવસાનના એક વર્ષ બાદ નાસિરનું પણ મૃત્યુ થયું. હજુ તેમના સંતાનો સાથે આશા પારેખનો નાતો છે. સંબંધો ક્યારેક સામાજિક સીમાઓ આળંગી આગળ વધતા હોય છે, પરંતુ વ્યક્તિએ પોતે એક સીમા બાંધવી જોઈએ અને આ સમજ આશા પારેખને હતી. તેમણે એક ઈન્ટરવ્યુમાં એમ પણ કહ્યું હતું કે તેઓ હંમેશાં અન્ય અભિનેતાઓને અનઅપ્રોચેડબલ લાગતા હતા, લગભગ એટલે પણ કોઈએ તેમની તરફ પહેલ નહીં કરી હોય.


હિન્દી ફિલ્મજગતને ખૂબ જ સુંદર ફિલ્મો આપનારા પારેખ ઘણી નાની ઉંમરથી આ ક્ષેત્રમાં આવ્યા હતા. તેઓ એક પારંગત નૃત્યાંગના પણ છે અને ઘણી ફિલ્મોમાં તેમણે ઉત્કૃષ્ટ નૃત્યો કર્યા છે. એક સમયે ગૂંજ ઉઠી શહેનાઈ ફિલ્મમાં સાઈન થયા બાદ નિર્દેશકે તેમને ના પાડી કહ્યું હતું કે તમે હીરોઈન મિટિરયલ નથી અને તે જ વર્ષે આશા પારેખે હીટ ફિલ્મ દિલ દેકે દેખોથી ફિલ્મજગતમાં પ્રવેશ કર્યો હતો. અખંડ સૌભાગ્યવતી જેવી ગુજરાતી ફિલ્મમાં પણ તેમણે કામ કર્યું છે. કટી પતંગ માટે ફિલ્મ ફેર એવોર્ડ મેળવનારી આશા પારેખ પર પોતાની ફિલ્મોની અન્ય હીરોઈનોના રોલ કટ કર્યાના આક્ષેપો પણ થયા છે.
અભિનય કરવાનું ઓછું થયું તે બાદ તેમણે સિરિયલ ડિરેક્ટ કરી. આ સાથે ઘણા સેવાના કાર્યો પણ કર્યા. હજુ એટલા જ જાજરમાન લાગતા આ ગુજરાતી અદાકારાને તેમના જન્મદિવસે ખૂબ શુભકામનાઓ

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button