Happy Birthday Lataji: 36 ભાષામાં ગીત ગાયા છે સ્વરસામ્રાજ્ઞીએ, ગુજરાતી સાથે ખાસ નાતો

ગીત ગાવું એ પણ પોતાના એક અભિવ્યક્તિ જ હોય છે. એક એક શબ્દ અને એક એક સૂરને પકડવાનો હોય છે ત્યારે લખાયેલા શબ્દો તાલબદ્ધ થઈને સુંદર અવાજમાં કાનોને સાંભળવા ગમે છે. હવે જ્યારે તમારે ગીતને સમજીને, તેના ભાવને સમજીને ગાવાનું હોય ત્યારે ભાષા જ ન આવડે તો…આ મોટો સવાલ છે, પરંતુ ભારતની કોકિલ કંઠિની લતા મંગેશકરે ભાષાને બરાબર જાણતા ન હોવા છતાં બે ચાર નહીં પણ 36 ભારતીય અને અમુક વિદેશી ભાષામાં ગીત ગાયા છે. દેશના એવા ઘણા સિંગર છે જેઓ ચાર-પાંચ ભાષામાં ગીત ગાય છે અને તમને ખબર પણ નહીં પડે કે તેને આ ભાષા આવડે છે કે નહીં, પણ લતા મંગેશકરે તો 36 ભાષામાં ગીત ગાયા છે.
આજે આ વાત યાદ કરવાનું કારણ છે લતાજીનો બર્થ ડે. 28 સપ્ટેમ્બર, 1929ના રોજ મધ્ય પ્રદેશના ઈન્દોરમાં મરાઠી પરિવારમાં થયો હતો. જન્મ થતાની સાથે પિતા દીનાનાથ મંગેશકરે દીકરીનું નામ હેમા રાખ્યું હતું, પણ પછીથી આ નામ લતા કરી નાખ્યું અને આ નામ વિશ્વભરમાં જાણીતું થયું.

પિતાના અવસાન બાદ પરિવારની જવાબદારી પોતાના પર આવતા લતાએ બહુ નાની ઉંમરે કલાજગતમાં પગ મૂક્યો હતો. લતા પહેલા તો અભિનય કરવા આવી હતી, પરંતુ સાથે ગીત પણ ગાતી અને પછીથી સંગીતની જ સાધના કરી. પહેલી ફિલ્મમાં ગીત ગાવા બદલ રૂ. 25 લેતી લતા 70ના દાયકામાં ફિલ્મની હીરો જેટલી જ ફીસ લેતી હતી.
ગુજરાતી સાથે આ છે સંબંધ
લતા મંગેશકરનો ગુજરાતી ભાષા સાથે જન્મથી જ નાતો છે. તમને લગભગ જાણ નહીં હોય પણ લતાનાં માતા ગુજરાતી હતાં. તેમનું નામ સેવંતી હતુ, જે બદલીને પછી સુધામતી કરવામા આવ્યું હતું. આથી લતાની પિતાની ભાષા ભલે મરાઠી હોય, પણ માતાની ભાષા ગુજરાતી હતી.
લતાએ 36 ભાષામાં ગીત ગાયા છે, જેમાં ઘણા ખૂબ જ જાણીતા ગુજરાતી ગીતો પણ છે. જેમાં
વહેલી પરોઢનો વાયરો વાયો, હંસલા હાલાને હવે, રૂપલે મઢી છે રાત, તને સાચવે તાર પતિ, એક રજકણ સૂરજ થવાને શમણે, ખોબો ભરીને અમે એટલું હસ્યા, હે ઓધાજી રે મારા વ્હાલાને વઢીને કહેજો રે, પાંદડુ લીલું ને રંગ રાતો, મહેંદી તે વાવી માડવે ને આ યાદી તો લાંબી છે. અવિનાશ વ્યાસ અને ગૌરાંગ વ્યાસ સાથે મંગેશકર બહેનોના ઘણા સંભારણા પણ છે.
આ પણ વાંચો…આ અજરઅમર ગીત માટે લતા મંગેશકર બન્યાં હતાં બાથરૂમ સિંગર