બિપાશાની નટખટ પરી એક વર્ષની થઇ, અભિનેત્રીએ ક્યૂટ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર મુક્યો
બોલીવુડની પ્રખ્યાત અભિનેત્રી બિપાશા બાસુ હાલ તેના માતૃત્વનો ભરપૂર આનંદ માણી રહી છે. અભિનેત્રી વારંવાર તેની પુત્રી દેવીની તસવીરો તથા વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતી હોય છે. પોતાની નાનકડી પરી સાથે વિતાવેલી દરેક પળોને તે કેમેરામાં કંડારે છે ત્યારે થોડા દિવસો પહેલા તેણે દેવીના જન્મને એક વર્ષ પૂર્ણ થવા નિમિત્તે તેનો એક વીડિયો મુક્યો હતો, જે વાઇરલ થયો હતો.
દેવીના એક વર્ષ પૂર્ણ થવા નિમિત્તે બિપાશાએ એક સુંદર પાર્ટીનું આયોજન કર્યું હતું જેમાં ફક્ત તેના નજીકના લોકો અને અંગત મિત્રો જ ઉપસ્થિત હતા. તેનો પતિ કરણ સિંહ ગ્રોવર દિપીકા પાદુકોણ અને ઋતિક રોશનની ફિલ્મ ‘ફાઇટર’માં એક ખાસ ભૂમિકામાં જોવા મળશે.
આ અંગે જ્યારે તેને પૂછવામાં આવ્યું ત્યારે તેણે કરણના અભિનયની પ્રશંસા કરવા ઉપરાંત, તેણે હૃતિક રોશન અને દીપિકા પાદુકોણ સહિત બાકીના કલાકારોની પણ પ્રશંસા કરી. બિપાશા બાસુએ ફિલ્મની સફળતામાં વિશ્વાસ વ્યક્ત કર્યો અને તેનો શ્રેય દિગ્દર્શક સિદ્ધાર્થ આનંદને આપ્યો અને વિશ્વાસપૂર્વક આગાહી કરી કે તે ચોક્કસ બ્લોકબસ્ટર સાબિત થશે.
5 ઓગસ્ટ 2023 ના રોજ બિપાશા બાસુ અભિનેત્રી નેહા ધૂપિયા સાથે ઇન્સ્ટાગ્રામ પર લાઇવ થઈ અને તેણે પોતાની માતૃત્વની સફર વિશે વાત કરી હતી. આ વાતચીત દરમિયાન બિપાશાએ તેની પુત્રી દેવી વિશે ચોંકાવનારો ખુલાસો કરતાં કહ્યું હતું કે પુત્રી દેવી હૃદયમાં બે છિદ્રો સાથે જન્મી હતી. નાનકડી 3 મહિનાની દેવીની ઓપન હાર્ટ સર્જરી કરવી પડી હતી.
ઓપરેશન છ કલાક સુધી ચાલ્યું હતું. અભિનેત્રીએ ખુલાસો કર્યો હતો કે જ્યારે દેવી ઓ.ટી.માં હતી, ત્યારે તેને લાગ્યું હતું કે તેનું જીવન થંભી ગયું છે. મને આશા હતી કે કંઇ ખોટું થશે નહીં, એ અંતે સર્જરી સફળ રહી અને હવે દેવી સ્વસ્થ છે, તેવું બિપાશાએ જણાવ્યું હતું.