Binny And Family review: થોડી માવજત ઓછી, પણ પરિવાર સાથે જોઈ હળવા થવા જેવી ફિલ્મ... | મુંબઈ સમાચાર
મનોરંજન

Binny And Family review: થોડી માવજત ઓછી, પણ પરિવાર સાથે જોઈ હળવા થવા જેવી ફિલ્મ…

એક સમયે દરેક ફિલ્મ પારિવારિક ફિલ્મ હતી. ભલે તેની સ્ટોરી પરિવાર સંબંધિત ન હોય પણ ફિલ્મ સાફસુથરી અને સાથે બેસી જોઈ શકાય તેવી હતી. આજકાલ ફિલ્મોની વાર્તાઓ એવી છે કે પરિવારના દરેક સભ્યને ન ગમે. નવી પેઢીને ગમતી ફિલ્મો જૂની પેઢી જોતી નથી અને તેમાં થતું એક્પોઝર આજે પણ હજારો ભારતીય પરિવારો માટે સ્વીકાર્ય નથી. આવામાં એક લૉ બજેટ ફિલ્મ તમારી માટે ચેન્જ સાબિત થઈ શકે તેમ છે. સંજય ત્રિપાઠીની કલમે લખાયેલી ફિલ્મ બિન્ની એન્ડ ફેમિલી પરિવાર સાથે ખાસ જોવા જેવી ફિલ્મ છે. આ ફિલ્મ સંયુક્ત પરિવારના ઉપદેશાત્મક સંદેશાઓ નથી આપતી પણ ત્રણ પેઢીઓમાં વધી ગયેલા અંતરનું ઘણું જ પ્રેક્ટિલ ભાણું પીરસે છે. ફિલ્મની અમુક મર્યાદા છે, પરંતુ સતત ઢંગધડા વગરની બીગ બજેટ ફિલ્મો જોઈને કંટાળ્યા હોવ તો આ ફિલ્મ જોઈ હળવા ચોક્કસ થશો

ફિલ્મ લંડનમાં રહેતા એક ભારતીય બિહારી પરિવારની કથા કહે છે. પરિવારની દીકરી અને ફિલ્મની હીરોઈન બિન્ની, તેના બિહારથી ક્યારેક લંડન રહેવા આવતા દાદા-દાદી, બન્ને વચ્ચેના ભાવાત્મક સંબંધો અને વિખવાદો, સોશિયલ મીડિયા અને ડિજિટલ વર્લ્ડમાં ખોખલું જીવન જીવતી આજની પેઢી અને જનરેશન ગેપને લીધે ઘરે ઘરમાં ઉદ્ભવી રહેલા પ્રશ્નોનું સચોટ ફિલ્માંકન થયું છે.

વરુણ ધવનની કઝીન અંજિની ધવન બિન્નીના પાત્રમાં છે. ડેબ્યુ ફિલ્મ હોવાથી બિન્ની ક્યાંક સારું તો ક્યાક એવરેજ પર્ફોમ કરે છે. બિન્નીના પેરેન્ટ્સ તરીકે રાજેશ કુમાર અને ચારુ શંકર તેમ જ દાદી તરીકે હિમાની શિવપુરીએ ઘણો જ સારો અભિનય આપ્યો છે, પરંતુ ફિલ્મમાં ચાર ચાંદ લગાવ્યા છે પંકજ કપૂરે. પંકજનો અનુભવ અને કલા આખી ફિલ્મને જોવાલાયક બનાવે છે. સંગીત પણ ફિલ્મને અનુરૂપ છે અને સુનિધિ ચૌહાણનું ગીત કુછ હમારે તેમને ઈમોશનલ કરી દેશે.

હા ફિલ્મના અમુક સિન્સ થોડા ખેંચાયા છે તો અમુક ઈમોશન્સને જોઈએ તેવો ન્યાય મળ્યો નથી. ડિરેક્શન અને પ્રોડક્શન વેલ્યુમાં ફિલ્મ ક્યાક નબળી પડી રહી છે, પણ ફિલ્મ મોરલ લેશન્સ આપવાથી બચી ગઈ છે. જેમને ઈમોશનને અપીલ કરતી, શાંત, સરળ ફિલ્મો ગમતી હોય તેમની માટે ત્રણ કલાક ફાળવવા ખોટા સાબિત નહીં થાય.

મુંબઈ સમાચાર રેટિંગ 3.5/5

Back to top button