‘બિગ બોસ OTT”નો સ્પર્ધક શૂટિંગ વખતે મોટી મુશ્કેલીમાં મૂકાયા, સર્જરી ના કરી હોત તો….

મુંબઈ: ‘બિગ બોસ’ શોના સ્પર્ધકો પોતાના સારા-નરસાં કામને લઈને અવારનવાર ચર્ચામાં આવતા રહે છે. જોકે, ‘બિગ બોસ ઓટીટી’ની ત્રીજી સીઝનનો વિશાલ પાંડે ચર્ચામાં આવ્યો છે. શૂટિંગ દરમિયાન તેની સાથે એક દુર્ઘટના ઘટી હતી, જેથી તેને બે સર્જરી કરાવવી પડી હતી. પોતાની આ સર્જરીને લઈને તેણે સોશિયલ મીડિયા પર માહિતી આપી છે.
શૂટિંગ દરમિયાનની દુર્ઘટનામાં નસ કપાઈ
‘બિગ બોસ ઓટીટી’ની ત્રીજી સીઝનનો ભાગ બની ચૂકેલા બ્લોગર વિશાલ પાંડે શૂટિંગ દરમિયાન એક ગંભીર દુર્ઘટનાનો શિકાર બન્યો હતો. કાચના ટુકડાથી તેની નસ કપાઈ ગઈ હતી. જેથી તેનો જીવ જોખમમાં મૂકાયો હતો. જેને લઈને વિશાલ પાંડેને સર્જરી કરાવવી પડી હતી. વિશાલ પાંડેએ સર્જરી બાદના ફોટો ઇન્સ્ટાગ્રામમાં શેર કરીને પોતાની સાથે બનેલી દુર્ઘટના તથા વર્તમાન પરિસ્થિતિ અંગે માહિતી આપી હતી.
પોતાની ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં વિશાલ પાંડેએ જણાવ્યું કે, “કોઈ અકસ્માત તમને સંપૂર્ણપણે હચમચાવી શકે છે. શૂટિંગ દરમિયાન, મેં આકસ્મિક રીતે કાચથી મારી નસો કાપી નાખી હતી. મેં કલ્પના પણ કરી નહોતી કે મને સૌથી વધુ ગમતું કામ ‘અભિનય’ કરતી વખતે આવું કંઈક થશે. બે ઓપરેશન કરાવ્યા પછી, હવે હું આરામ કરી રહ્યો છું. મારું કામ રોકાઈ ગયું છે અને બધું સ્થગિત થઈ ગયું છે. એક એવી વ્યક્તિ માટે, જે પોતાના સપનાના શરીર અને સપનાની કારકિર્દીને અનુસરી રહી છે, આ એકદમ કડવો અનુભવ છે.”
સૂર્યની જેમ હું પણ ફરીથી ઊગીશ
વિશાલ પાંડેએ આગળ જણાવ્યું કે, “ડૉક્ટરે મને જે કહ્યું તે સાંભળીને હું આજે પણ ચોંકી જાઉં છું. મારા હૃદય સુધી જતી નસ ફક્ત થોડા ઇંચ માટે બચી ગઈ. જો તે કપાઈ ગઈ હોત તો મારું અડધું શરીર લકવાગ્રસ્ત થઈ ગયું હોત. ડૉક્ટરે કહ્યું કે આ એક આશીર્વાદ સિવાય બીજું કંઈ નથી.
હું માત્ર મારા પરિવાર, મિત્રો અને તમારા બધા તરફથી મળેલા આશીર્વાદો વિશે જ વિચારી શકું છું. આટલું બધું થયા પછી પણ તમે મને આ તસવીરોમાં હસતો જોઈ શકો છો. શા માટે? કારણ કે હું જાણું છું કે એકવાર હું સંપૂર્ણ શક્તિમાં પાછો આવીશ. પછી કંઈપણ અને કોઈપણ મને રોકી નહીં શકે. આ નાનો આંચકો મને હરાવી નહીં શકે, પરંતુ તે મને વધુ મજબૂત બનાવશે. જેમ કહેવાય છે, સૂર્ય હંમેશા ફરીથી ઊગે છે, અને હું પણ ઊગીશ. “
આ પણ વાંચો…‘બિગ બોસ 19’માં મોટો ટ્વિસ્ટ: આગામી ‘વીકેન્ડ કા વાર’માં નહીં દેખાય સલમાન ખાન, કોણ કરશે શોને હોસ્ટ?