બિગ બોસ ફેમ તાન્યા મિત્તલની સ્ટાઈલિસ્ટે પેમેન્ટ અંગે કર્યા ચોંકાવનારા દાવા, શું છે મામલો?

મુંબઈ: જાણીતા ટીવી રિયાલીટી શો બિગ બોસની 19મી સીઝનનો તાજેતરમાં જ અંત આવ્યો છે. જેમાં ટીવી સુપરસ્ટાર ગૌરવ ખન્ના વિજેતા બન્યો છે. જ્યારે ફરહાના ભટ્ટ શોની રનર-અપ રહી છે. બિગ બોસ 19ના ગ્રાન્ડ ફિનાલેમાં ગૌરવનો મુકાબલો ટીવી તાન્યા મિત્તલ, પ્રણિત મોરે અને અમાલ મલિક જેવા મજબૂત કન્ટેસ્ટેન્ટ સાથે હતો. આ તમામ સ્પર્ધકોમાં તાન્યા મિત્તલ પોતાની લાઈફસ્ટાઈલને લઈને ચર્ચાનું કેન્દ્ર બની હતી. જેના કારણે તે ફાઈનલ સુધી પહોંચી હતી. પરંતુ શો પૂરો થયા બાદ તેની લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલ અને મોંઘા કપડાંનું સત્ય સામે આવ્યું છે.
તાન્યા મિત્તલ એટીટ્યુડ બતાવી રહી છે
તાન્યા મિત્તલની સ્ટાઈલીસ્ટ રિદ્ધિમા શર્માએ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ કરી છે. જેમાં તાન્યા મિત્તલના મોંઘા કપડાંને લઈને ચોંકાવનારો ખુલાસો થયો છે. સાથોસાથ તાન્યા મિત્તલ અન્ય લોકો સાથે કેવો એટીટ્યુટ રાખે છે? એનું સત્ય પણ સામે આવ્યું છે.
તાન્યા મિત્તલની સ્ટાઇલિસ્ટ રિદ્ધિમા શર્માએ ઇન્સ્ટાગ્રામ પર જણાવ્યું કે, “મેં દરેક ઇન્ટરવ્યુમાં તેને સપોર્ટ કર્યા. તેના દરેક ઇન્ટરવ્યુમાં મારી રેકોર્ડ કરેલી બાઇટ્સ, સેલિબ્રિટી વોટિંગ વીડિયો, સપોર્ટિંગ વીડિયો જોઈ શકાય છે. હું મારા ઇન્ટરવ્યુમાં પણ તેનો સપોર્ટ કરી રહી હતી. તે મારા થકી જ કપડાં આઉટસોર્સ કરાવતી હતી અને હવે તે મને જ એટીટ્યુડ બતાવી રહી છે.”

મારા દરેક આઉટફિટ મોંઘા હતા
રિદ્ધિમા શર્માએ પોસ્ટમાં આગળ જણાવ્યું કે, “હું એક વાત સ્પષ્ટ કરી દેવા માંગું છું કે, એક ડિઝાઇનર અને એક સ્ટાઇલિસ્ટમાં ઘણો ફર્ક હોય છે. હું સ્ટાઇલિસ્ટ છું. આખા અઠવાડિયા દરમિયાન દરેક સાડી અને ચણિયાચોલી હું જ મોકલાવતી હતી અને આ દરેક આઉટફિટ મોંઘા હતા. તે પોતે પણ બ્રાન્ડ ચેક કરી શકે છે. હજુ સુધી કશું પણ પાછું મોકલવામાં આવ્યું નથી. તેને કપડાં ગમ્યા, પરંતુ એકપણ વખત તેણે વખાણ કર્યા નથી અને હવે તે નખરાં કરી રહી છે અને ટેલર અને ડિઝાઇનર વિશે વાત કરી રહી છે? શું એડીટ્યુડ છે. ખૂબ સરસ. શું ઇજ્જત આવી હોય છે? એક વખત તેણે મારી ટીમને ચેતવણી આપતા કહ્યું હતું કે, જો આજે સાડી નહીં આવે, તો પેમેન્ટ કરવામાં આવશે નહીં. આ કેવું વર્તન છે.”
મારા આઉટફિટનું પેમેન્ટ ક્યાં છે?
ઉપરોક્ત વાતને આગળ વધારતા રિદ્ધિમાએ લખ્યું કે, “ગઈકાલે તેણે મને કોલ કરીને કહ્યું કે, બપોરે 1:30 વાગ્યે સિદ્ધિ વિનાયક જવું છે અને સવારે 11 તેને આઉટફિટ જોઈએ છીએ. તેમ છતાં મેં એક કલાકમાં બધી વ્યવસ્થા કરી દીધી. મેં તેને પોર્ટર પર ડિલિવર પણ કર્યા અને તેનું પેમેન્ટ પણ ચૂકવ્યું. કઈ નહીં તો સ્ટાઇલિસ્ટ, ટેલર અને ડિઝાઇનરનું થોડું તો માન રાખો. બિગ બોસમાં એક અઠવાડિયાનું 50,000 રૂપિયા પેમેન્ટ હોય છે. મેં જેટલા આઉટફિટ મોકલ્યા છે, એ તમામ મોંઘા હતા. ગઈકાલની ચણીયાચોલી જ 58,000 હતી અને તેમ છતાં હું ઓછો ચાર્જ વસૂલી રહી છું.”
રિદ્ધિમા શર્માએ આખરે લખ્યું કે, “છેલ્લા 2 ‘વીકેન્ડ કા વાર’ના આઉટફિટનું શું? તે મારા હતા. તેનું પેમેન્ટ ક્યાં છે? ગ્રાન્ડ ફિનાલે માટે મેં તેના ભાઈના આઉટફિટ પણ તૈયાર કર્યા હતા. તેનું પેમેન્ટ ક્યાં છે? કાલના આઉટફિટનું પેમેન્ટ ક્યાં છે? મેં દરેક વખતે સમયસર પોતાનું કામ કર્યું છે, પરંતુ તેનું(તાન્યા મિત્તલનું) આ વલણ સ્પષ્ટપણે દર્શાવે છે કે, તે કેવી છે. ખૂબ સરસ તાન્યા અને સમગ્ર ટીમ. ભગવાન આપ સૌને આશીર્વાદ આપે.”
ઉલ્લેખનીય છે કે, બિગ બોસ 19 સીઝન દરમિયાન તાન્યા મિત્તલ સોશિયલ મીડિયા પર સૌથી વધુ ટ્રેન્ડમાં રહી હતી. તે શો દરમિયાન પોતાના બિઝનેસ એમ્પાયર, અમીર પરિવારના બેકગ્રાઉન્ડની વાતોને કારણે ખૂબ જ ચર્ચામાં રહી હતી. જોકે, તેણે પોતાની સ્ટાઈલિસ્ટ રિદ્ધિમા શર્માએ કરેલા દાવાઓને લઈને હજુ સુધી કોઈ જવાબ આપ્યો નથી.



