મનોરંજન

બોલિવૂડને પડી મોટી ખોટ

પીઢ પટકથા લેખક પ્રયાગ રાજનું નિધન

બોલિવૂડના પીઢ પટકથા લેખક પ્રયાગ રાજનું 88 વર્ષની જૈફ વયે વય સંબંધિત સમસ્યાઓને કારણે નિધન થયું છે. તેઓ અમિતાભ બચ્ચનની ‘અમર અકબર એન્થોની’, ‘નસીબ’ અને ‘કુલી’ જેવી ફિલ્મોમાં તેમના કામ માટે જાણીતા હતા. તેમના પુત્ર આદિત્યના જણાવ્યા અનુસાર પ્રયાગ રાજનું શનિવારે સાંજે તેમના બાંદ્રા સ્થિત નિવાસસ્થાને નિધન થયું હતું.

આદિત્યએ જણાવ્યું હતું કે, “તેમના પિતા પ્રયાગરાજનું શનિવારે સાંજે 4 વાગ્યે બાંદ્રા સ્થિત નિવાસસ્થાને શાંતિપૂર્ણ રીતે નિધન થયું હતું. તેમને આઠથી દસ વર્ષથી હૃદય રોગ અને વય સંબંધિત સમસ્યાઓ જેવી ઘણી બિમારીઓ હતી. “

પ્રયાગરાજે 100થી વધુ ફિલ્મોની વાર્તા લખી છે, જેમાં “નસીબ”, “સુહાગ” અને “કુલી” અને “મર્દ” જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. તેમણે રાજેશ ખન્નાની “રોટી”, ધર્મેન્દ્ર-જીતેન્દ્રની “ધરમ વીર” અને “અમર અકબર એન્થોની”ની પટકથામાં યોગદાન આપવા ઉપરાંત બચ્ચન, રજનીકાંત અને કમલ હાસન-સ્ટારર ફિલ્મ “ગિરફ્તાર” પણ લખી હતી. લેખક તરીકે તેમની છેલ્લી ફિલ્મ સ્વર્ગસ્થ એસ રામનાથન દ્વારા દિગ્દર્શિત “જમાનત” હતી, જે રિલીઝ નથી થઇ.

પ્રયાગરાજના અંતિમ સંસ્કાર રવિવારે સવારે દાદરના શિવાજી પાર્ક સ્મશાનગૃહમાં કરવામાં આવ્યા હતા. તેમાં પરિવારજનો અને ઉદ્યોગના તેના મિત્રોએ હાજરી આપી હતી. અમિતાભ બચ્ચને તેમના અંગત બ્લોગ પર પીઢ લેખકને શ્રદ્ધાંજલિ આપી હતી. અભિનેતા અનિલ કપુરે પણ લેખકને શ્રદ્ધાંજલિ આપી હતી. ફિલ્મ ‘અમર અકબર એન્થોની’ની અભિનેત્રી શબાના આઝમીએ સોશિયલ મીડિયા પર તેમને શ્રદ્ધાંજલિ આપતા લખ્યું હતું કે, લેખક દિગ્દર્શક અભિનેતા પ્રયાગ રાજના નિધન વિશે સાંભળીને દુઃખ થયું. RIP.”

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button