દીકરા અભિષેકની ફિલ્મ ‘કિંગ’ની બિગ બીએ આપી અપડેટ, ફોલોઅર્સે કર્યા ટ્રોલ

મુંબઈ: બે વર્ષના બ્રેક બાદ શાહરૂખ ખાન 2026માં ફિલ્મી પડદે દેખાશે. તેની ફિલ્મ ‘કિંગ’નું શુટિંગ ચાલી રહ્યું છે. આ સિવાય પણ ફિલ્મમાં અભિષેક બચ્ચન, રાણી મુખર્જી, દીપિકા પદુકોણ, જયદીપ અહલાવત અને અનિલ કપૂર પણ જોવા મળશે. આ સિવાય સુહાના ખાન પણ પિતા શાહરૂખ ખાન સાથે પહેલીવાર ફિલ્મમાં સ્ક્રીનશેર કરવાની છે. આ ફિલ્મને લઈને અમિતાભ બચ્ચને સોશિયલ મીડિયા પર અપડેટ આપી છે.
ભૈયુને મારા આશીર્વાદ અને પ્રેમ: અમિતાભ બચ્ચન
‘કિંગ’ ફિલ્મમાં શાહરૂખ ખાનનો લીડ રોલ છે. જ્યારે અભિષેક બચ્ચન આ ફિલ્મમાં વિલનના પાત્રમાં છે. પિતા અમિતાભ બચ્ચને આ ફિલ્મને લઈને દીકરા અભિષેકને શુભેચ્છાઓ પાઠવી છે. સાથોસાથ ફિલ્મની અપડેટ પણ આપી છે.
અમિતાભ બચ્ચને એક્સ પર લખ્યું કે, “T 5425- થોડા દિવસોમાં રીલિઝ થવાની છે…વધુ એક નવી ફિલ્મની શરૂઆત થઈ ગઈ છે. ‘કિંગ’ ફિલ્મનું પહેલા દિવસનું શુટિંગ. ભૈયુને મારા આશીર્વાદ અને પ્રેમ. વધુ એક ફિલ્મનું શુટિંગ પૂરૂ થઈ ગયું અને તે જલ્દી આવશે…મારી પ્રાર્થના તારી સાથે છે.”
ફિલ્મની અપડેટ આપીને ટ્રોલ થયા બીગ બી
દીકરાને દાદની સાથોસાથ ‘કિંગ’ ફિલ્મની અપડેટ આપતી પોસ્ટને લઈને ફોલોઅર્સે અમિતાભ બચ્ચનને ટ્રોલ કર્યા છે. તેમની પોસ્ટ પર એક ફોલોઅરે કોમેન્ટ કરી કે, “ભાઈને શુભેચ્છાઓ.” બીજાએ લખ્યું કે, “સર બધુ જ કહી દેજો, કશું રહેવા ન દેતા.” જ્યારે ત્રીજા ફોલોઅરે લખ્યું કે, “ત્યાં નિર્માતાઓ છૂપાવી રહ્યા છે, અહીંયા તમે બતાવી રહ્યા છો. જોઈ લો શાહરૂખ ભાઈ.”
અભિષેક બચ્ચનના અંગત જીવનની અફવાઓ
ઉલ્લેખનીય છે કે, બોલીવૂડમાં અભિષેક બચ્ચન પિતા જેટલું ફેમ મેળવી શક્યો નથી. પરંતુ એક પિતા તરીકે અમિતાભ બચ્ચન હંમેશા તેનો સપોર્ટ કરતા આવ્યા છે. તેઓ ફિલ્મોને બદલે પોતાના અંગત જીવનને લઇને વધારે ચર્ચામાં રહે છે. પાછલા સમયમાં તેઓ એશ્વર્યા રાય સાથે છૂટાછેડા લઇને અભિનેત્રી નિમરત કૌર સાથે લગ્ન કરવાના છે, એવી વાત સામે આવી હતી. પરંતુ નિમરત કૌરે આ અફવાને ફગાવી દીધી હતી.
આ પણ વાંચો…Amitabh Bachchan હોય કે Mukesh Ambani ઘરને વરસાદથી બચાવવા અપનાવે છે આ દેસી જુગાડ?