‘ધ બંગાળ ફાઇલ્સ’ ફિલ્મને બંગાળી સુપરસ્ટારે આપ્યું સમર્થન, રાષ્ટ્રપતિને કરી આવી અપીલ

કોલકાતા: ફિલ્મ નિર્માતા-દિગદર્શક વિવેક અગ્નિહોત્રી 2019થી દેશના સંવેદનશીલ મુદ્દાઓ પર ફિલ્મ બનાવી રહ્યા છે. પાછલા વર્ષોમાં વિવેક અગ્નિહોત્રીએ તાસ્કંદ ફાઈલ(2019), કશ્મીર ફાઈલ(2023) અને વેક્સિન વોર(2024) જેવી ફિલ્મો બનાવી છે. એક વર્ષના વિરામ બાદ હવે તે ‘ધ બંગાળ ફાઇલ્સ’ નામની ફિલ્મ લઈને આવી રહ્યા છે. જોકે, રિલીઝ થાય એની પહેલા જ પશ્ચિમ બંગાળમાં આ ફિલ્મને લઈને વિવાદ શરૂ થઈ ગયો છે. પરંતુ હવે બંગાળનો એક સુપર સ્ટાર ‘ધ બંગાળ ફાઇલ્સ’ ફિલ્મના સમર્થનમાં આવ્યો છે.
‘ધ બંગાળ ફાઇલ્સ’ ફિલ્મને વિક્રમ બેનર્જીનું સમર્થન
બંગાળી સુપરસ્ટાર વિક્ટર બેનર્જીએ ‘ધ બંગાળ ફાઇલ્સ’ને પોતાનું સમર્થન આપ્યું છે. ફિલ્મનું સ્ક્રીનિંગ શાંતિપૂર્ણ રીતે થાય તે માટે અભિનેતાએ ભારતના રાષ્ટ્રપતિને અપીલ પણ કરી છે. તાજેતરમાં કોલકાતા ખાતે ‘ધ બંગાળ ફાઇલ્સ’ ફિલ્મનું સ્ક્રીનિંગ યોજાયું હતું. જેમાં હોબાળો થયો હતો. આ અંગે ચિંતા વ્યક્ત કરતા અભિનેતા વિક્ટર બેનર્જીએ જણાવ્યું હતું કે, અમને લાગે છે કે પશ્ચિમ બંગાળમાં થનારા આ ફિલ્મના સ્ક્રીનિંગને જાણીજોઈને રોકવામાં આવી શકે છે. આ પગલું કલાની આઝાદી છીનવવાની સાથોસાથ લોકોને સત્ય જાણવાના અને પોતાનો વિચાર રજૂ કરવાના અધિકારથી દૂર કરે છે.
વિક્ટર બેનર્જીએ આગળ જણાવ્યું કે, “અમે ભારતના આદરણીય રાષ્ટ્રપતિને અપીલ કરીએ છીએ કે, કોઈપણ પ્રકારના ભય કે રોકટોક વગર શાંતિપૂર્ણ રીતે આ ફિલ્મનું સ્ક્રીનિંગ કરવામાં આવે અને કલાકારો તથા દર્શકોના અધિકારો સલામત રહે.”
કોલકાતાની કોમી રમખાણો પર આધારિત છે ફિલ્મ
ઉલ્લેખનીય છે કે, ‘ધ બંગાળ ફાઇલ્સ’ ફિલ્મને લઈને તૃણમૂલ કોંગ્રેસ (TMC) દ્વારા ‘ધ બંગાળ ફાઇલ્સ’ ફિલ્મના નિર્માતા-દિગ્દર્શનક વિરૂદ્ધ કેસ નોંધાવ્યો હતો. ‘ધ બંગાળ ફાઇલ્સ’ ફિલ્મ 1946 માં કોલકત્તામાં થયેલા રમખાણો પર આધારિત છે. આઝાદીના એક વર્ષ પહેલા 16 ઓગસ્ટ 1946 ના રોજ શરૂ કોલકત્તામાં કોમી રમખાણો શરૂ થઈ ગઈ હતી. કારણ મુસ્લિમ લીગ દ્વારા મુસ્લિમો માટે કરવામાં આવેલી અલગ દેશની માંગ આ રમખાણો પાછળનું કારણ હતું.
આ પણ વાંચો…વિવેક અગ્નિહોત્રીની ધ બંગાળ ફાઇલ્સનું ટ્રેલર રિલીઝ! સ્ક્રીનીંગ વખતે કોલકાતામાં થયો હોબાળો…