રણવીર સિંહ વિરૂદ્ધ બેંગલુરૂ હાઈ કોર્ટના વકીલે નોંધાવી પોલીસ ફરિયાદ, કડક કાર્યવાહીની કરી માંગ…

મુંબઈ, બેંગલુરુ: ફિલ્મ અભિનેતા રણવીર સિંહ ફરી એકવાર વિવાદમાં સપડાયા છે. ઋષભ શેટ્ટીની લોકપ્રિય ફિલ્મ ‘કાંતારા’માં દર્શાવવામાં આવેલી પરંપરાગત તુલુ પૂજા (દૈવ પરંપરા)નું અપમાન કરવા બદલ તેમની વિરુદ્ધ બેંગલુરુ હાઈકોર્ટના વકીલ પ્રશાંત મેથલે ફરિયાદ દાખલ કરી છે. રણવીર સિંહ સામે આ બીજી ફરિયાદ છે.
રણવીર સિંહે પવિત્ર દૈવ પરંપરાની મજાક ઉડાવી
વકીલ પ્રશાંત મેથલે નેહાઈ ગ્રાઉન્ડ્સ પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં રણવીર સિંહ સામે આરોપ મૂકવામાં આવ્યો છે કે, “28 નવેમ્બરના રોજ ગોવામાં ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ (IFFI) ના સમાપન સમારોહ દરમિયાન રણવીર સિંહે પવિત્ર દૈવ પરંપરાની મજાક ઉડાવી હતી. વકીલે કહ્યું કે અભિનેતાના કાર્યો કર્ણાટકના દરિયાકાંઠાના વિસ્તારની સાંસ્કૃતિક ઓળખના કેન્દ્રમાં રહેલા પૂજનીય દેવતા, પંજુલી/ગુલિગા દૈવની મજાક ઉડાવવા સમાન છે. તેમના દાવા મુજબ, આનાથી હિન્દુઓની, ખાસ કરીને તુલુ સમુદાયની લાગણીઓને “ઊંડી ઠેસ” પહોંચી છે.”
વધુમાં, ફરિયાદમાં એવો મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો છે કે રણવીરે દૈવાને “ફિમેલ ઘોસ્ટ” તરીકે ઉલ્લેખ કર્યો હતો, જેને વકીલે “નિંદા” અને “ઇરાદાપૂર્વકનું અપમાન” ગણાવ્યું છે. પ્રશાંત મેથલે પોલીસને રણવીર સિંહ વિરુદ્ધ કાનૂની કાર્યવાહી શરૂ કરવાની માંગ કરી છે.
રણવીર સિંહે માફી માંગી
વિવાદિત વીડિયો વાયરલ થયા પછી, રણવીર સિંહે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા માફી માંગી હતી. “મારો હેતુ ફિલ્મમાં ઋષભના શાનદાર અભિનયને પ્રકાશિત કરવાનો હતો. એક અભિનેતા તરીકે, હું જાણું છું કે તે ચોક્કસ દ્રશ્યને તે રીતે ભજવવામાં કેટલો સમય લાગે છે, જેના માટે હું તેનો ખૂબ પ્રશંસક છું. મને હંમેશા મારા દેશની દરેક સંસ્કૃતિ, પરંપરા અને માન્યતા પ્રત્યે ખૂબ આદર રહ્યો છે. જો મેં કોઈની લાગણીઓને ઠેસ પહોંચાડી હોય, તો હું દિલથી માફી માંગુ છું.”

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં યોજાયેલી IFFI ઇવેન્ટ યોજાઈ હતી. જેમાં રણવીર સિંહે ‘કાંતારા: ચેપ્ટર 1’ ફિલ્મ તથા તેમાં ઋષભ શેટ્ટીની એક્ટિંગના વખાણ કર્યા હતા. પરંતુ ફિલ્મના વખાણની સાથોસાથ રણવીર સિંહથી એવું કઇ બોલાઈ ગયું. જેનાથી વિવાદ સર્જાયો છે. જોકે, આ વિવાદને લઈને રણવીર સિંહે માફી માંગી હોવા છતાં હવે મામલો બેંગલુરુમાં કાયદાકીય રીતે આગળ વધી રહ્યો છે.



