પાકિસ્તાની કલાકારો પર પ્રતિબંધ લગાવવો જોઈએ? જાવેદ અખ્તરે આપ્યું મહત્વનું નિવેદન

મુંબઈ: જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા (Pahalgam Terrorist Attack) બાદ ભારતમાં કામ કરતા પાકિસ્તાની કલાકારોની મુશ્કેલીઓ વધી ગઈ છે. પાકિસ્તાની કલાકરો પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની માંગ (Ban on Pakistani atists) ઉઠી રહી છે. પાકિસ્તાની એક્ટર ફવાદ ખાન સ્ટારર ફિલ્મ અબીર-ગુલાલ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ઘણા લોકો પાકિસ્તાની કલાકારોનું સમર્થન પણ કરી રહ્યા છે. એવામાં હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના દિગ્ગજ ગીતકાર અને પટકથા લેખક જાવેદ અખ્તરે (Javed Akhtar) મહત્વનું નિવેદન આપ્યું છે.
ભારતમાં કામ કરતા પાકિસ્તાની કલાકરો અંગે જ્યારે તેમનો અભિપ્રાય માંગવામાં આવ્યો ત્યારે તેમણે બે મંતવ્યો વ્યક્ત કર્યા. તેમણે એમ પણ કહ્યું કે વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, પાકિસ્તાની કલાકારો પર પ્રતિબંધ મૂકવો જોઈએ.
‘એક તરફી ટ્રાફિક થઇ ગયો છે’
એક અહેવાલ મુજબ જાવેદ અખ્તરે કહ્યું, ‘બે જવાબો છે અને બંને સમાન રીતે સાચા છે. તમે સિક્કો ઉછાળીને નિર્ણય લઇ શકો છો કે કયો સાચો છે. એક તરફી ટ્રાફિક બની ગયો છે – નુસરત ફતેહ અલી, ગુલામ અલી, નૂરજહાં ભારત આવ્યા. આપણે તેમની સાથે ખૂબ સારો વ્યવહાર કર્યો છે. ફૈઝ અહમદ ફૈઝ, જે ઉપખંડના કવિ હતા – તેઓ પાકિસ્તાનમાં રહેતા હતા કારણ કે તેમનો જન્મ ત્યાં થયો હતો, પરંતુ હું એમ નહીં કહું કે તેઓ પાકિસ્તાની કવિ હતા. તેઓ શાંતિ અને પ્રેમના કવિ હતા, જ્યારે તેઓ અટલ બિહારી વાજપેયીના કાર્યકાળ દરમિયાન ભારત આવ્યા હતા, ત્યારે તેમનું રાજ્યના વડાની જેમ સન્માન કરવામાં આવતું હતું.’
જાવેદ અખ્તરે એમ પણ કહ્યું, ‘મને પાકિસ્તાનના લોકો સાથે કોઈ ફરિયાદ નથી. પાકિસ્તાનના મહાન કવિઓએ લતા મંગેશકર પર કવિતાઓ લખી હતી. પણ પાકિસ્તાનમાં લતા મંગેશકરનું કોઈ પરફોર્મન્સ કેમ ન થયું? સિસ્ટમ તરફથી, પાકિસ્તાની સરકાર તરફથી કેટલાક અવરોધો હતા… મને એ સમજાયા નહીં. આમ આ એક તરફી ટ્રાફિક છે, જે યોગ્ય નથી.”
આપણ વાંચો: બે નહીં ત્રણ સંતાન છે જયા બચ્ચનને, જાણો કોણ છે અને અત્યારે કયા હાલમાં છે…
જાવેદ અખ્તરનું બીજું મંતવ્ય:
જાવેદે કહ્યું, ‘બીજો એક એટલો જ તાર્કિક મુદ્દો એ છે કે જો આપણે ભારતમાં પાકિસ્તાની કલાકારોને બેન કરીએ છીએ, તો પછી પાકિસ્તાનમાં આપણે કોને ખુશ કરી રહ્યા છીએ? સેના અને કટ્ટરપંથીઓને. તેઓ ઇચ્છે છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે એક ઊંચી દિવાલ બનાવવામાં આવે જેથી પાકિસ્તાનીઓ જોઈ ન શકે કે ભારતના લોકોને કેટલી સ્વતંત્રતા અને સુવિધાઓ મળે છે. તેઓ અંતર વધારવા માંગે છે, એ જ તેમને જોઈએ છે, તેમને ખુશમિજાજી પસંદ નથી.”