Baaghi 4 Movie Teaser review: આવી વાયોલન્ટ ફિલ્મને સેન્સર બોર્ડે રિલિઝ થવા દેવી જોઈએ?

અભિનેતા અમિતાભ બચ્ચનની ફિલ્મો બાદ બોલીવૂડમાં એક્શનપેક ફિલ્મોનો દૌર શરૂ થયો. તે પહેલા હીરો પોતાની શાલીનતા, બુદ્ધિથી કામ કરતો. બચ્ચનની ફિલ્મોમાં એક હીરો ચાર વિલનને ઢીશૂમ ઢીશૂમ કરી પછાડી દેતો. ત્યારબાદ ધર્મેન્દ્રથી માંડી અક્ષય કુમારની ફિલ્મોમાં હિંસા બતાવવામાં આવી છે, પણ મોટા પદડા પર વાયોલન્સ દર્શાવવાની એક મર્યાદા હોય. આ તમામ મર્યાદાઓ ઘણી ફિલ્મોએ વટાવી દીધી છે, જેમાં ખૂબ જ વિવાદોમા આવેલી રણબીર કપૂરની એનિમલ ફિલ્મનો વિવાદ વધુ જૂનો થયો નથી. હવે રણબીરની ફિલ્મને પણ પછાડી દે તેવી ફિલ્મ સાજિદ નડિયાદવાલા લઈને આવ્યા છે, જેનું ટીઝર આજે રિલિઝ થયું. ટાઈગર શ્રોફને ચમકાવતી ફિલ્મ બાગીની ચોથી એડિશન બાગી-4નું ટીઝર રિલિઝ થયું છે. ટીઝર જોશો તો લગભગ એક પછી એક સિકવન્સમાં માત્ર ખુનાખારાબી જ છે. જે હથિયાર મળ્યું તે હથિયારથી બીજાને કાપી નખતો અને લોહીના ફુવારા ઉડતા હોય તેવા સિન્સ માત્ર 1.49 સેકન્ડના ટીઝરમાં જ મનને વિચલિત કરી નાખે તેવા છે.

ફિલ્મનું પોસ્ટર પણ એ પ્રકારનું જ છે. સંદીપ વાંગા રેડ્ડીની એનિમલની સફળતાથી પ્રેરાઈને નિર્માતાને લાગ્યું હશે કે આપણે પણ આ પ્રકારના વિષય સાથે ફિલ્મ બનાવી રોકડી કરી લઈએ.
ફિલ્મમાં અભિનેત્રી સોનમ બાજવા અને હરનાઝ સાંદુ પણ હિંસા કરતી જોવા મળે છે. ફિલ્મમાં બધા કોઈકને મારી જ રહ્યા છે.
બાગી જેકી શ્રોફના દીકરા ટાઈગર શ્રોફની પહેલી ફિલ્મ હતી અને ફિલ્મએ તેને સારી સફળતા અપાવી. ત્યારબાદ બાગીની બે એડિશન આવી, જે ખાસ કોઈ જાદુ ચલાવી શકી નથી. બાગી-4માં પહેલીવાર સંજય દત્ત દેખાયો છે. હીરોઈનોમાં અગાઉ દિશા પટ્ટણી અને ત્યારબાદ શ્રદ્ધા કપૂર જેકી સાથે જોડી જમાવી ચૂકી છે. ફિલ્મની સ્ટોરી ટીઝરમાં ખાસ રિવિલ થઈ નથી તે સારી વાત છે, પરંતુ જે બતાવ્યું છે તે જોઈને ખરેખર સવાલ થાય છે કે આ પ્રકારના વાયોલન્સ અને લોહીથી લથબથ સિન્સવાળી ફિલ્મો રિલિઝ થવી જોઈએ?
આ પણ વાંચો: આ વર્ષે સંજુ બાબાનો રહેશે દબદબો: બોક્સ ઓફિસ પર ધમાલ મચાવવા આવી રહી છે 4 મોટી ફિલ્મો!
જોકે આ મામલે માત્ર નિર્માતાઓને દોષ દેવાનું યોગ્ય નથી. છેલ્લા ઘણા સમયથી આ પ્રકારની હિંસાત્મક અને અશ્લીલ કન્ટેન્ટવાળી ફિલ્મોએ થિયેટરોમાં સારી કમાણી કરી છે. એક્શન ફિલ્મનો એક ભાગ હોઈ શકે, સ્ટોરીની જરૂરિયાત પ્રમાણે બતાવી શકાય, પરંતુ તે બતાવતા સમયે પણ દર્શકોએ આંખો બંધ કરી લેવી પડે કે તેમને અજુગતી લાગણી ઊભી થાય તેવું ન બતાવવાની જવાબદારી નિર્માતાઓ છે જ. એ વાત ખરી કે લોકોને જોવી હોય તો જૂએ, કોઈ દબાણ કરવામાં આવતું નથી, પરંતુ મનોરંજનના નામે ગમે તે પિરસવું પણ કેટલું યોગ્ય છે. બીજી બાજુ દર્શકોએ પણ આ પ્રકારની ફિલ્મોને જાકારો આપવો જોઈએ. ફિલ્મો કેવી બનાવવી, કેવી જોવી તે સૌનો વ્યક્તિગત વિષય છે, પરંતુ ફિલ્મો લોકોના માનસ પર અસર કરતી હોય છે અને તે સમાજને એક દિશા બતાવવામાં મદદરૂપ થતી હોય છે, ત્યારે આ પ્રકારની હિંસા બતાવતા પહેલા સૌ કોઈને જવાબદારીનું ભાન હોવુ જોઈએ. હજુ માત્ર ટીઝર રિલિઝ થયુ છે, આથી ફિલ્મ વિશે વિશેષ ધારી લેવું યોગ્ય નથી, પરંતુ ટીઝર જોઈને તો લાગે છે કે વાયોલન્સમાં એનિમલને પણ પાછળ મૂકી દેશે.