મનોરંજન

ડ્રંક એન્ડ ડ્રાઇવ કેસમાં બાઝીગર અભિનેતાને થઇ જેલ

મુંબઇઃ બોલિવૂડના જાણીતા કલાકાર દલિપ તાહિલે પોતાના અભિનયથી લોકોનું ઘણું મનોરંજન કર્યું છે. શાહરૂખ ખાનની ‘બાઝીગર’ના કો-સ્ટાર દલિપ તાહિલની મુશ્કેલીઓ વધી ગઈ છે. તેઓ હાલમાં મુશ્કેલીમાં ફસાયા છે. અભિનેતાને 2 મહિનાની જેલની સજા ફટકારવામાં આવી છે. આ ઉપરાંત તેમને પાંચસો રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. અભિનેતાને પાંચ વર્ષ જૂના ડ્રંક એન્ડ ડ્રાઈવ કેસમાં સજા સંભળાવવામાં આવી છે. આ સમગ્ર મામલો વર્ષ 2018નો છે.
તાહિલ પર આરોપ છે કે તેમણે વર્ષ 2018માં મુંબઈના પોશ ખાર ઉપનગરીય વિસ્તારમાં દારૂના નશામાં પોતાની કાર ચલાવતા ઓટો રિક્ષાને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં એક મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કોર્ટે આ નિર્ણય એવા પુરાવાના આધારે લીધો છે જેમાં ડૉક્ટરના રિપોર્ટમાં દારૂની ગંધ જણાવવામાં આવી હતી અને અભિનેતા અકસ્માત સમયે બરાબર ચાલી શકતો ન હતો.

જોકે, આ સજા અંગે દલિપ તાહિલે જણાવ્યું હતું કે તેઓ મેજિસ્ટ્રેટ કોર્ટના આદેશનું સન્માન કરે છે, પણ મેજિસ્ટ્રેટ કોર્ટના નિર્ણયને તેઓ સેશન્સ કોર્ટમાં પડકારશે. દલિપે જણાવ્યું હતું કે મેજિસ્ટ્રેટ કોર્ટ દ્વારા તેમને આપવામાં આવેલી સજા સસ્પેન્ડેડ સજા છે. 2018માં થયેલો એક અકસ્માત ખૂબ જ નાનો અકસ્માત હતો. આ અકસ્માતમાં પીડિતને મામૂલી ઇજા થઇ હતી અને તેને મામુલી દવા આપીને હૉસ્પિટલમાંથી પરત મોકલવામાં આવ્યો હતો. આ મામલે કાગનો વાઘ બનાવવામાં આવી રહ્યો છે.

વર્ષ 2018માં દલિપ દારૂના નશામાં ગાડી ચલાવી રહ્યો હતો અને આ દરમિયાન તેણે ઓટોરિક્ષાને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બે લોકો ઘાયલ થયા હતા. અકસ્માત કર્યા બાદ દલિપ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો, પરંતુ ગણેશ વિસર્જન દરમિયાન સર્જાયેલા ટ્રાફિક જામમાં તે ફસાઈ ગયો હતો. જે બાદ લોકોએ તેને પકડી લીધો હતો. જોકે, દલિપે તેને પણ ધક્કો માર્યો હતો. બાદમાં લોકોએ પોલીસને બોલાવી અને તેમની ધરપકડ થઈ હતી.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અભિનેતા દલિપ તાહિલે 100થી વધું હિન્દી ફિલ્મમાં અભિનય કર્યો છે. તેમના દ્વારા અભિનીત ફિલ્મોમાં બાઝીગર, રાજા, હમ હૈ રાહી પ્યાર કે, કયામત સે કયામત તક, કહો ના પ્યાર હૈ, અજનબી, રોક ઓન, રા.વન, ભાગ મિલ્ખા ભાગ અને મિશન મંગલનો સમાવેશ થાય છે. છેલ્લે તેઓ રાજકુમાર રાવ અને સાન્યા મલ્હોત્રા સાથે હિટઃ ધ ફર્સ્ટ કેસમાં જોવા મળ્યા હતા. આ સિવાય તે માઈન્ડ ધ મલ્હોત્રા સીઝન 2 માં પણ જોવા મળ્યો હતો. પોતાના કોમેડી વીડિયોઝને કારણે તેઓ સોશિયલ મીડિયા પર લોકપ્રિય છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button