
અયોધ્યાઃ એવા અહેવાલ છે કે સદીના મહાનાયક અમિતાભ બચ્ચન ભગવાન શ્રી રામના મંદિર પાસે નવું ઘર બનાવવા જઈ રહ્યા છે. સુપરસ્ટાર અમિતાભ બચ્ચને ઉત્તર પ્રદેશના પવિત્ર શહેર અયોધ્યામાં સાત સ્ટાર એન્ક્લેવમાં એક પ્લોટ ખરીદ્યો છે. આ પ્લોટ એ જ જગ્યા પાસે છે જ્યાં ભવ્ય રામ મંદિર બનેલ છે. અભિનેતાએ મોટી રકમ ચૂકવીને નવો પ્લોટ ખરીદ્યો છે.
22મી જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરનું ઉદ્ઘાટન થવા જઇ રહ્યું છે. આ દિવસે મંદિરના ગર્ભગૃહમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. એમ પણ માનવામાં આવે છે કે રામ મંદિરના ઉદ્ઘાટન બાદ અયોધ્યા નગરી વિશ્વભરમાં સૌથી મોટા પર્યટન સ્થળમાંથી એક તરીકે ઉભરી આવશે. અહીં આર્થિક પ્રવૃત્તિ પણ મોટા પાયે થશે. આ જ કારણે અહીં જમીનના ભાવ આસમાને છે. બોલિવૂડના દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચને પણ અયોધ્યામાં એક મોટો પ્લોટ ખરીદ્યો છે. મળતી માહિતી મુજબ અમિતાભ બચ્ચને અયોધ્યામાં રામ મંદિર નજીક આવેલા સાત સ્ટાર એન્ક્લેવમાં એક પ્લોટ ખરીદ્યો છે, જેના ડેવલપર ધ હાઉસ ઓફ અભિનંદન લોઢા (HoABL) છે. આ પ્લોટનું કદ અને કિંમત તો જાહેર થઇ નથી, પણ આધારભૂત સૂત્રોનું માનીએ તો આ પ્લોટ 10 હજાર સ્ક. ફૂટનો છે અને આ પ્લોટ માટે અમિતાભ બચ્ચને લગભગ 14.5 કરોડ રૂપિયા ચૂકવ્યા છે. આ પ્લોટ મંદિરથી લગભગ 15 મિનિટ અને એરપોર્ટથી અડધો કલાક દૂર છે. આ પ્રોજેક્ટ માર્ચ 2028 સુધીમાં પૂર્ણ થવાની અને અહીં ફાઇવ સ્ટાર પેલેસ હોટલ બનવાની અપેક્ષા છે. રામ મંદિરના અભિષેકના દિવસે જ સરયુ એનક્લેવનું લોકાર્પણ થશે. જાણવા મળ્યા મુજબ આ એનક્લેવ 51 એકરમાં ફેલાયેલું છે. આ પ્રોજેક્ટમાં રોકાણ કરવા અંગે પૂછવામાં આવતા બીગ બીએ જણાવ્યું હતું હું અયોધ્યામાં ધ હાઉસ ઓફ અભિનંદન લોઢા સાથે ઘર બનાવવા માટે ઉત્સાહિત છું. તેમના દિલમાં આ શહેરનું વિશેષ સ્થાન છે. અયોધ્યામાં પરંપરા અને આધુનિકતાનો સંગમ છે અને આ ગ્લોબલ સ્પિરિચ્યુઅલ કેપિટલમાં ઘર બનાવવા માટે તેઓ ઉત્સુક છે. નોંધનીય છે કે અમિતાભ બચ્ચનનું જન્મ સ્થળ અલાહાબાદ છે, જે અયોધ્યાથી નેશનલ હાઇવે પર 4 કલાકની ડ્રાઇવ પર છે.