
આમિર ખાનની સુપરહીટ ફિલ્મોમાંની એક જો જીતા વહી સિકંદર યાદ છે? તેનું સ્લો મોશન સૉંગ પહેલા નશા જો તમે જોયું હોય તો તેમાં સ્કૂલ યુનિફોર્મ પહેરી ઝુલ્ફો લહેરાવતા આયેશા ઝુલ્કા પણ તમને યાદ હશે. આજે એટલે કે 28મી જુલાઈ, 1072માં જન્મેલી આયેશાનો જન્મદિવસ છે. કુર્બાન ફિલ્મથી સીધી સલમાન ખાન સાથે જોડી જમાવી બોલીવૂડમાં પગ મૂકનારી આયશા ટૉપની હીરોઈન બનતી બનતી રહી ગઈ.
આયશાએ જો જીતા વહી સિકંદર, ખિલાડી જેવી ફિલ્મોમાં તે સમયનમા ટોચના હીરો સાથે કામ કર્યું અને તે બધાની વચ્ચે પોતાની ઓળખ પણ બનાવી. એકદમ ગોળ ચહેરો અને ક્યૂટ દેખાતી આયશા 2000ની સાલ બાદ ફરી દેખાઈ અને થોડા સમય પહેલા ઓટીટી પર પણ વેબસિરિઝમાં જોવા મળી હતી, તો શું આયશા આટલા સમય પોતાના સંતાનની જવાબદારીમાં વ્યસ્ત હતી. ના, આયેશાએ તો લગ્ન બાદ સંતાન પેદા ન કરવાનો નિર્ણય લીધો હતો. તે બોલીવૂડથી દૂર શા માટે રહી તે મામલે તો તેણે ખુલીને વાત કરી નથી, પરંતુ તે અને તેનાં પતિ સાથે મળી એક ખૂબ જ સરાહનીય કામ કરે છે તેના વિશે વાત કરશું.


શ્રીનગરમાં જન્મેલી આયેશા 1991માં કુર્બાનથી બોલીવૂડમાં આવી અને લગભગ 45 જેટલી ફિલ્મો તેણે કરી. આયેશા જે સમયે બોલીવૂડમાં આવી તે સમયે ફિલ્મી ગોસિપ ઘણી છપાતી અને વંચાતી, આનો શિકાર આયેશા પણ બની. કોઈ કડવા અનુભવને લીધે તેણે લગ્ન ન કરવાનું વિચારી લીધું હતું, પરંતુ એક કાર્યક્રમમાં માતાએ બિઝનેસમેન સમીર વશી સાથે તેની મુલાકાત કરાવી અને બન્ને એકબીજાના થઈ ગયા. 2003માં તેમણે લગ્ન કર્યા, પણ બન્ને નૉ ચાઈલ્ડ કપલ બન્યાં.
જોકે આ જ કપલે ગુજરાતના બે ગામડા દત્તક લીધા ને ત્યાં રહેતા લગભગ 160 બાળકના ભોજન, શિક્ષણ, આરોગ્ય સહિતની જવાબદારી તેઓ ઉપાડે છે. આયેશા અહીં આવે છે અને બાળકો સાથે સમય પણ વિતાવે છે. જોકે તેણે આ ગામ અને બાળકો વિશે વધારે માહિતી આપી નથી. આ સાથે બન્ને ઘણી સમાજિક સેવાઓ કરે છે.