Tanvi The Greatઃ ઓટિઝમના વિષયને લઈ વધુ એક ફિલ્મ આવી, પણ…

અભિનેતા આમિર ખાનની તારે ઝમીન પર 2007માં રિલિઝ થઈ ત્યારે ઘણા ઓછા લોકો ઓટિઝમ વિશે જાણતા હતા. લોકોને ફિલ્મ ખૂબ જ ગમી અને બાળકોમાં જોવા મળતી આ ખાસ શારિરિક-માનસિક-મનોવૈજ્ઞાનિક સ્થિતિ વિશે ખ્યાલ આવ્યો. ત્યારબાદ અંતરા નામે એક ટીવી સિરિયલ આવી અને તે પણ ઘણી ફેમસ થઈ. ઓટિઝમ વિશે સામાન્ય લોકો સુધી માહિતી પહોંચાડવાનો શ્રેય ચોક્કસ આમિરને જાય.
જોકે ઓટિસ્ટિક લોકો વિશેની વાત કરતી ફિલ્મોમાં અપના આસમાન, બરફી, અનિલ કપૂરની ઈશ્વર, અહાનનો પણ સમાવેશ થાય છે, પરંતુ આ ફિલ્મો એટલી ખાસ અસર છોડી ગઈ નહીં. તાજેતરમાં ફરી આમિરે સિતારે ઝમીન પર બનાવી અને તે પણ સરેરાશ ઓટિઝમ અથવા મેન્ટલી ડિસએબલ્ડ લાગતા લોકોની જ વાત કરે છે.
આપણ વાંચો: અનુપમ ખેરની ફિલ્મ તન્વી ધ ગ્રેટ આજે થઈ રિલીઝ, મેકર્સે આપી BOGO ઓફર
ત્યાં ગયા શુક્રવારે ફરી એક ફિલ્મ રિલિઝ થઈ તનવી ધ ગ્રેટ. અભિનેતા અનુપમ ખેર અને અભિષેક દીક્ષિત દ્વારા લખવામાં આવેલી આ ફિલ્મ પણ ઓટિસ્ટિક યુવતીની વાત લઈને આવી છે.
તન્વી ઓટિસ્ટિક છે. પિતાનું દેહાંત થતાં માતા તન્વીને નાનાનાં ઘરે પહાડી કસ્બામાં છોડી વિદેશ કમાવા જાય છે. તન્વી ગાય છે, નવું નવું જાણે છે, પણ પોતાના સપના પૂરા કરવા માટે તેને જે સંઘર્ષ કરવો પડે છે, તેવી વાર્તા છે.
આપણ વાંચો: અમદાવાદ વિમાન દુર્ઘટનાના મૃતકોને અનુપમ ખેરે ભાવુક થઈ આપી શ્રદ્ધાંજલિ, જુઓ વીડિયો
ફિલ્મ ફરી મોટિવેશનલ, ઈન્સ્પિરેશનલ ઝોનરમાં આવી જાય છે. ફિલ્મની વાર્તા અને ટ્રીટમેન્ટ જોઈએ તેવા ખાસ નથી. તન્વીનો રોલ કરતી શુભાંગી દત્ત સહિતના કલાકારોએ સારું કામ કર્યુ છે, પણ અનુપમ ખેરે ઓમ જય જગદીશ પછી ફરી ડિરેક્શનમાં હાથ અજમાવ્યો છે અને સદંતર નિષ્ફળ ગયા છે. ફિલ્મે બે દિવસમાં માત્ર રૂ. 40 લાખનું કલેક્શન કર્યુ છે.
વળી, હવે ઓટિસ્ટિક બાળકો કે યુવાનો વિશેની વાર્તામાં દર્શકો નવીનતા શોધે છે. આ પ્રકારની પ્રેરણા અને હિંમત આપતી ફિલ્મો બને તે ચોક્કસ આવકાર્ય છે, પરંતુ વિષયમાં અને વાર્તામાં તાજગી નહીં આવે તો દર્શકો થિયેટરોમાં તો શું, ઓટીટીમાં જોવાનું પણ પસંદ નહીં કરે.