Bollywood: આશા ભોંસલેની દીલદારીને કારણે આ ગાયિકાને મળ્યો ફિલ્મફેર
લતા મંગેશકર સંગીતજગતનું બહુ મોટું નામ છે, પરંતુ તેમની સાથે અમુક વિવાદો પણ સંકળાયેલા હતા. લતા અન્ય ગાયિકાઓને આગળ આવવા દેતી ન હતી અને ખુદ પોતાની બહેનો માટે પણ આડખિલીરૂપ બની હોવાની ચર્ચા થતી હતી. સુમન કલ્યાણપુર, હેમલતા જેવી ઘણી ગાયિકાઓ તે સમયે લતા મંગેશકરની મોનોપોલીને લીધે પાછળ રહી ગઈ તેવું કહેનારા ઘણા છે. ત્યારે આજે તેમની બહેન અને વર્સટાઈલ સિંગર આશા ભોંસલેની દરિયાદિલીનો એક કિસ્સો તમને કહેવો છે.
ફિલ્મ ‘સોહની મહિવાલ’નું એક સુપરહિટ ગીત છે, સોની ચનાબ દે કિનારે…. આનંદ બક્ષીના શબ્દો અને અનુ મલિક અને પિતા સરદાર મલિકના સંગીતે પંજાબ ઊભું કરી દીધું હતું. નાજૂક નમણી પૂન ધિલ્લોન પર ફિલ્માવાયેલું આ ગીત આશા ભોંસલે ગાવાના હતા. ગીતની ટ્યુન તૈયાર થઈ ગયા પછી આશા ભોંસલેને ગીત રેકોર્ડ કરવા આવ્યાં. ગીતના મૂડને સમજવા માટે આશાને તેનો સ્ક્રેચ સંભળાવવામાં આવ્યો. સ્ક્રેચ એટલે શું તે તમને જણાવીએ તો કોઈ નવું ગીત સંગીતબદ્ધ કરવામાં આવે પછી તેને સ્ક્રેચ આર્ટિસ્ટ દ્વારા ગાવામાં આવે એટલે જ્યારે મેઈન સિંગર તેને સાંભળે તો તેણે ગીતની રિધમ, મૂડ વગેરે પકડી માત્ર રેકોર્ડ કરવાનું જ રહે. આશાએ પણ આ ગીત સાંભળી તેને રેકોર્ડ જ કરવાનું હતું.
ગીત સાંભળતા જ આશાએ આંખો બંધ કરી લીધી. જ્યાં સુધી તેણે આખું ગીત ન સાંભળ્યું ત્યાં સુધી તે આ રીતે જ બેઠી રહી. અનુ મલિકને ચિંતા થઈ ગઈ કે કંઈક આશાને ગીત નથી ગમ્યું કે શું. પરંતુ, આશા ભોંસલેએ સ્ક્રેચ સાંભળ્યા પછી જે કહ્યું તે માત્ર પ્રશંસનીય નથી, પણ બીજા કલાકારોએ પણ સમજવા જેવું છે.
તેણે કહ્યું કે આ સ્ક્રેચને ફિલ્મના આ રીતે જ વગાડવામાં આવે. આ જે રીતે ગવાયું તેનાથી સારું ગાવું ઘણું મુશ્કેલ છે. આ ગાયિકા જેણે સ્ક્રેચ આર્ટિસ્ટ તરીકે ગીતા ગાયું તેનું નામ અનુપમા દેશપાંડે. ફિલ્મમાં સ્ક્રેચ ગીતનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને આ ગીત માટે, ઉભરતી ગાયિકા અનુપમા દેશપાંડેને તેની કારકિર્દીનો પ્રથમ શ્રેષ્ઠ ફિમેલ સિંગર ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો હતો.