ગાયિકા આશા ભોંસલેએ શા માટે ખખડાવ્યો બોમ્બે હાઈકોર્ટનો દરવાજો

મુંબઈઃ જાણીતા ગાયિકા આશા ભોંસલેએ તાજેતરમાં બોમ્બે હાઈકોર્ટમાં કેસ દાખલ કર્યો છે. આ કેસ તેમણે બે અમેરિકન આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) કંપની સામે કર્યો છે જેમણે તેમના પ્લેટફોર્મ પર એઆઈ દ્વારા આશાના અવાજ અને સ્ટાઈલની કોપી કરી તેની નકલ કરી છે. આ કંપનીઓ ખૂબ જ આધુનિક એલ્ગોરિધમનો ઉપયોગ કરે છે. તેમના વિરુદ્ધ ગાયિકા બોમ્બે હાઈકોર્ટમાં ગયાં છે.
ભોંસલેના વકીલે પર્સનલ રાઈટ્સ લૉ હેઠળ આ અરજી કરી છે. કોર્ટે આ કેસને ગંભીર ગણાવ્યો હતો અને ગાયિકાને વચગાળાની રાહત મળે તે માટે વિગતવાર આદેશ આપશે, તેમ પણ જણાવ્યું હતું. કોર્ટે બે અઠવાડિયા બાદ સુનાવણી કરવાનું જણાવ્યું છે.
આ પણ વાંચો: આશા ભોંસલેએ 91 વર્ષની ઉંમરે મહેફીલ લૂંટી લીધીઃ જૂઓ વીડિયોમાં આશાનો જાદુ
આશા અગાઉ સિંગર અરિજીત સિંહે પણ આવો આક્ષેપ કર્યો હતો. તે સમયે કોર્ટે અરિજીતને પણ રાહત આપી હતી. આશાના વકીલે કોર્ટમાં આ દાખલો પણ આપ્યો હતો.
અગાઉ અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાયે પણ પર્સનલ લૉ હેઠળ કોર્ટમાં અરજી કરી હતી. બન્નેના ફોટા અને વીડિયો તેમની પરવાનગી વગર ડિજિટલ કન્ટેન્ટમાં ઉપયોગમાં લેવામાં આવ્યા હોવાનું તેમણે કોર્ટને જણાવ્યું હતું.
આશા ભોંસલે 92 વર્ષનાં થયાં છે. ભારતીય સિનેમાજગતમાં ગાયકીક્ષેત્રે તેમનું યોગદાન ખૂબ જ મહત્વનું છે. લગભગ 12,000 કરતા વધારે ગીતો તેમણે વિવિધ ભાષાઓમાં ગાયા છે. થોડા મહિનાઓ પહેલા અભિનેત્રી રેખાની ફિલ્મ ઉમરાવ જાનની રિ-રિલિઝ પાર્ટીમાં તેઓ દેખાયા હતા અને તેમણે ગીત પણ ગાયું હતું.