આન પાન પીપળ પાન…: અરબાઝ અને શૂરા ખાને દીકરીનું નામ રાખ્યું ‘સિપારા ખાન’, જાણો શું થાય છે અર્થ?

બોલીવૂડ એક્ટર અરબાઝ ખાન તેમ જ શૂરા ખાન ત્રણ દિવસ પહેલાં જ એટલે કે પાંચમી ઓક્ટોબરના રોજ એક સુંદર મજાની રાજકુમારીના માતા-પિતા બન્યા છે અને આજે આઠમી ઓક્ટોબરના રોજ કપલ પોતાની દીકરીને લઈને ઘરે પહોંચ્યા હતા. ખાન પરિવારે ખૂબ જ શાનથી રાજકુમારીને આવકારી હતી. હવે કપલે લિટલ પ્રિન્સેસનું નામ પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને એનાઉન્સ કર્યું છે. એક્ટરે દીકરી માટે ખૂબ જ સુંદર અને ધાર્મિક નામ રાખ્યું છે. ચાલો જોઈએ શું છે ખાન પરિવારની પ્રિન્સેસનું નામ…
અરબાઝ ખાન અને શૂરા ખાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરીને દીકરીના નામની જાહેરાત કરી હતી. બંને જણે એક જોઈન્ટ પોસ્ટ શેર કરી છે જેમાં તેમણે લખ્યું છે કે વેલકમ બેબી ગર્લ સિપારા ખાન, લવ ફ્રોમ અરબાઝ એન્ડ શૂરા. પોસ્ટની કેપ્શનમાં શૂરાએ લખ્યું છે કે અલ્હમદુલિલ્લાહ.
અરબાઝ ખાન અને શૂરા ખાને નાનકડી પરીનું નામ સિપારા ખાન રાખ્યું છે તો વાત કરીએ આખરે આ નામનો અર્થ શું થાય છે એની. સિપારા એ એક ફારસી શબ્દનો શબ્દ છે અને એનો અર્થ થાય છે કુરાનના 30 ચેપ્ટરમાંથી એક ચેપ્ટર. અહીંયા તમારી જાણ માટે ઈસ્લામના પવિત્ર ગ્રંથ કુરાનને 30 ચેપ્ટરમાં વહેંચવામાં આવી છે અને એમાંથી એક ચેપ્ટરને સિપારા કહેવામાં આવે છે.
આ પણ વાંચો: અરબાઝ ખાન દીકરીને લઈને હોસ્પિટલથી ઘરે પહોંચ્યા: ખાન ખાનદાનની ‘શહેઝાદી’નો પહેલો વીડિયો થયો વાઈરલ
સોશિયલ મીડિયા પર અરબાઝ અને શૂરાની દીકરીની નેમ રિવિલિંગ પોસ્ટ ખૂબ જ વાઈરલ થઈ રહી છે. ફેન્સ તેના પર લાઈક્સ અને કમેન્ટ કરી રહ્યા છે. સેલિબ્રિટી પણ કપલ પર શુભેચ્છાનો વરસાદ કરી રહ્યા છે. રાશા થડાણી, જન્નત ઝુબૈર, સબા ઈબ્રાહિમ, મંદાના કરીનાથી લઈને મહીપ કપૂર સહિતના સેલેબ્સે કપલને બીજી વખત પેરેન્ટ્સ બનવા માટે શુભેચ્છા આપી હતી.
એક યુઝરે અરબાઝ અને શૂરાની આ વાઈરલ પોસ્ટ પર કમેન્ટ કરતાં લખ્યું હતું કે ખૂબ જ સુંદર નામ અને સુંદર અર્થ. કુરાનના 30 સિપારા. બીજા એક યુઝરે લખ્યું હતું કે માશાલ્લાહ. ત્રીજા એક યુઝરે સલાહ આપતા લખ્યું હતું કે વાહ શું નામ છે, દીકરાનું નામ કુરાન રાખજો. ચોથા એક યુઝરે લખ્યું હતું કે માશાલ્લાહ ખૂબ જ સુંદર નામ છે.