Uncategorized

હેપ્પી બર્થ ડેઃ ફિલ્મનો હીરો સ્ક્રીપ્ટ હોય છે તે સમજાય છે આ ડિરેક્ટરને

સામાન્ય રીતે એવી છાપ હોય કે કોઈ ખાસ હીરો કે હીરોઈન કે તેમની જોડીની ફિલ્મો વધુ ચાલે છે, પરંતુ જો એમ જ હોય તો શમ્મી કપૂરથી માંડી રાજેશ ખન્ના કે અમિતાભ બચ્ચનની કોઈ ફિલ્મ ફ્લૉપ જવી જ ન જોઈએ. ફિલ્મો હીરો હોય છે તેની વાર્તા અને આ વાત જે કોઈ ડિરેક્ટરને સમજાય તેની માટે સફળતા મેળવવી અઘરી નથી. આવો જ એક ડિરેક્ટર છે અનુરાગ કશ્યપ.
ગેંગ્સ ઓફ વાસેપુર, મનમર્ઝિયા અને અગ્લી, દેવ ડી, જેવી ફિલ્મો બનાવનાર અનુરાગ કશ્યપ આજે પોતાનો 51મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. તેના જન્મદિવસના આ ખાસ અવસર પર બોલિવૂડ સ્ટાર્સ સહિત ઘણા ચાહકોએ અનુરાગ કશ્યપને શુભેચ્છા પાઠવી છે. અનુરાગ કશ્યપે માત્ર 18 વર્ષની ઉંમરે પોતાના કરિયરની શરૂઆત કરી હતી. અનુરાગની ફિલ્મોનો એક ખાસ ચાહકવર્ગ છે. ડિરેક્ટર બનતા પહેલા તેણે ઘણી ફિલ્મોમાં લેખનનું કામ કર્યું છે, જેમાં સત્યા જેવી બ્લોક બ્લસ્ટરનો પણ સમાવેશ થાય છે. નાનપણમાં વૌજ્ઞાનિક બની બ્રહ્માંડના રહસ્યોને સમજવાની ઈચ્છા રાખતા કશ્યપને અચાનક ફિલ્મોની ચાનક ચડીને દિલ્હીમાં થોડું કામ કર્યા બાદ મુંબઈ આવી ગયા.
અનુરાગ કશ્યપે ઘણી મહાન બોલિવૂડ ફિલ્મોમાં લેખક તરીકે પણ કામ કર્યું છે. 1998માં રીલિઝ થયેલી ફિલ્મ સત્યાએ અનુરાગને ફેમના એક ખાસ સ્તર પર લઈ ગયો હતો. આ ફિલ્મની સ્ક્રિપ્ટ અનુરાગ કશ્યપે લખી છે. આ પછી અનુરાગે પોતાની કલમથી ઘણી અદ્ભુત ફિલ્મોમાં જીવ લાવ્યો. ટૂંક સમયમાં અનુરાગ કશ્યપે લેખન સાથે દિગ્દર્શનની જવાબદારી પણ સંભાળી લીધી. અનુરાગ કશ્યપે તેની ફિલ્મ પાંચ દ્વારા દિગ્દર્શક તરીકે ડેબ્યૂ કર્યું હતું. જોકે આ ફિલ્મ ક્યારેય રિલીઝ થઈ નથી. આ ફિલ્મમાં કેકે મનોન જોવા મળવાના હતા.
ફિલ્મ ‘ગેંગ્સ ઓફ વાસેપુર’ અનુરાગના કરિયરમાં માઈલસ્ટોન સાબિત થઈ. આ ફિલ્મે ન માત્ર અનુરાગ કશ્યપને લોકોમાં લોકપ્રિયતા અપાવી, પરંતુ નવાઝુદ્દીન સિદ્દીકી અને પંકજ ત્રિપાઠી જેવા ઘણા સ્ટાર્સને રાતોરાત સ્ટાર બનાવી દીધા. અનુરાગ કશ્યપે અત્યાર સુધીમાં 31 થી વધુ ફિલ્મો, સિરીઝ અને શોર્ટ મૂવીઝનું નિર્દેશન કર્યું છે. જેમાં સેક્રેડ ગેમ્સ, લસ્ટ સ્ટોરી, બોમ્બે વેલ્વેટ, દેવ ડી, બ્લેક ફ્રાઈડે અને નો સ્મોકિંગ જેવી ફિલ્મો સામેલ છે. તેની ફિલ્મો બૉક્સ ઓફિસ પર ભલે રૂપિયાનો વરસાદ કરાવી શકતી ન હોય, પણ તેને ચાર ફિલ્મફેર એવોર્ડ અપાવી ચૂકી છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કંઈક હટકે કરીને ટકી રહેવું ઘણું અઘરું છે ત્યારે અનુરાગે બે દાયકા અહી પૂરાં કર્યા છે.
વ્યક્તિગત જીવનની વાત કરીએ તો પહેલી પત્ની આરતીથી અલગ થઈ તેણે અભિનેત્રી કલ્કી કોચલીન સાથે લગ્ન કર્યા હતા, પરંતુ થોડા જ સમયમાં બન્ને છૂટા પડ્યા. મી ટુ મુવમેન્ટ દરમિયાન તેમના પર આક્ષેપો પણ થયા હતા. તેઓ ઘણીવાર વિવાદોમાં પણ સપડાતા રહે છે. જોકે આ બધા વચ્ચે તેઓ દર્શકોને સારી ફિલ્મો પણ આપે છે.
અનુરાગને જન્મદિવસની શુભેચ્છા

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button