મનોરંજન

નેટફ્લિક્સના ceoના નિવેદનથી અનુરાગ કશ્યપ અને એકતા કપૂર આવ્યા સામ સામે, જાણો શું છે મામલો?

ટેલિવિઝન દુનિયાની જાણીતી એકતા કપૂર જેને પોતાની સાસ બહુની સિરિયઝથી લોકોના મનમાં અનોખી છાપ બનાવી છે. તેઓનું નામ અવાર નવાર ચર્ચામાં આવતું રહેતું હોય છે. ફરી એક વખત તેઓ વિવાદના વંટોળમાં સંડોવાયા છે. વાસ્તવિક વાત એમ છે ફિલ્મ નિર્માતા અનુરાગ કશ્યપ પોતાની નિખાલસ શૈલી માટે હંમેશા ચર્ચામાં રહે છે. તાજેતરમાં નેટફ્લિક્સના સીઈઓ ટેડ સરાન્ડોસે તેમની વેબ સિરીઝ ‘સેક્રેડ ગેમ્સ’ પર ટિપ્પણી કરી, જેના જવાબમાં અનુરાગે ‘સાસ-બહુ’ સિરિયલો પર વ્યંગ કર્યો. આ ટિપ્પણીથી નિર્માતા એકતા કપૂર નારાજ થઈ અને તેમણે અનુરાગ કશ્યપને વળતો જવાબ આપ્યો હતો. આ વિવાદ નેટફ્લિક્સની બાલાજી ટેલિફિલ્મ્સ સાથેની ભાગીદારીની જાહેરાત બાદ વધુ ચર્ચામાં આવ્યો.

નેટફ્લિક્સના સીઈઓ ટેડ સરાન્ડોસે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે ‘સેક્રેડ ગેમ્સ’ ભારતમાં નેટફ્લિક્સની શરૂઆત માટે યોગ્ય પસંદગી ન હતી. તેમનું માનવું હતું કે ભારતીય દર્શકોની પસંદગીને અનુરૂપ શો સાથે શરૂઆત થવી જોઈએ. આના જવાબમાં અનુરાગે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું, “તેમણે સાસ-બહુ સિરિયલથી શરૂઆત કરવી જોઈતી હતી, જે હવે નેટફ્લિક્સ કરી રહ્યું છે. ટેકનોલોજી સમજનારા લોકો વાર્તા કહેવામાં મૂર્ખ હોય છે, અને ટેડ સરાન્ડોસ તો મૂર્ખતાની નવી વ્યાખ્યા છે.” આ ટિપ્પણીથી એકતા કપૂરે ઇન્સ્ટાગ્રામ પર જવાબ આપ્યો, આમ કહીને તમે હોશિયાર સાબિત નહીં થાઓ. સાસ બહુ સિરિયલોએ ભારતીય મહિલાઓની વાત દુનિયા સામે લાવી છે. આ વાત શિકાગોના સંશોધનમાં પણ સામેલ કરવામાં આવી છે એટલે કે તેનો દસ્તાવેજી પુરાવો છે. જે લોકો સમાનતાની વાતો કરે છે તેઓ જ આ પ્રકારના ભેદભાવ કરે છે, તેવો ટોણો એકતાએ કશ્યપને માર્યો હતો.

‘સેક્રેડ ગેમ્સ’ ભારતની પ્રથમ નેટફ્લિક્સ ઓરિજિનલ સિરીઝ હતી, જેનું નિર્દેશન અનુરાગ કશ્યપ અને વિક્રમાદિત્ય મોટવાનેએ કર્યું હતું. પ્રથમ સિઝનને ખૂબ વખાણવામાં આવી હતી, પરંતુ બીજી સિઝનની મિશ્ર પ્રતિક્રિયા બાદ ત્રીજી સિઝન રદ થઈ. એકતા કપૂરના ‘સાસ-બહુ’ શો, જેમ કે ‘ક્યોંકિ સાસ ભી કભી બહુ થી’, ટેલિવિઝન પર લોકપ્રિય રહ્યા અને સામાજિક મુદ્દાઓ ઉજાગર કર્યા. આ વિવાદે ભારતમાં નેટફ્લિક્સની કન્ટેન્ટ રણનીતિને લઈ ચર્ચાને વેગ આપ્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button