અનમોલ બિશ્નોઈના મેસેજથી સલમાન ખાનનું અન્ડરવર્લ્ડ કનેક્શન ફરી ચર્ચામાં
‘ચોરી ચોરી ચુપકે ચુપકે’ ફિલ્મની રિલીઝ વખતે સલમાનનું નામ અન્ડરવર્લ્ડ સાથેની સાઠગાંઠમાં ચગ્યું હતું
મુંબઈ: વિવિધ કારણોસર વિવાદથી ઘેરાયેલા રહેતા બોલીવૂડના સુપરસ્ટાર સલમાન ખાનનું અન્ડરવર્લ્ડ કનેક્શન ગૅન્ગસ્ટર અનમોલ બિશ્નોઈના ફેસબુક મેસેજને કારણે ફરી ચર્ચામાં આવ્યું છે. અગાઉ ‘ચોરી ચોરી ચુપકે ચુપકે’ ફિલ્મની રિલીઝ પૂર્વે બોલીવૂડ-અન્ડરવર્લ્ડ કનેક્શનની તપાસમાં સલમાનનું નામ ચગ્યું હતું.
હવે અનમોલ બિશ્નોઈના ધમકીભર્યા મેસેજમાં સલમાનના સંબંધ અન્ડરવર્લ્ડ ડૉન દાઉદ ઈબ્રાહિમ અને તેના સાથી છોટા શકીલ સાથે હોવા તરફ ઇશારો કરવામાં આવ્યો છે.
બાન્દ્રા પશ્ર્ચિમમાં આવેલા સલમાન ખાનના નિવાસસ્થાન ગૅલેક્સી એપાર્ટમેન્ટ બહાર રવિવારની વહેલી સવારે બાઈકસવાર બે શૂટરે ગોળીબાર કર્યો હતો. પાંચ રાઉન્ડ ફાયર કરી બન્ને શૂટર ફરાર થઈ ગયા હતા. ગોળીબારની ઘટનાના ગણતરીના કલાકોમાં જ જેલમાં બંધ ગૅન્ગસ્ટર લૉરેન્સ બિશ્ર્નોઈના ભાઈ અનમોલ બિશ્નોઈના ફેસબુક પેજ પર એક મેસેજ પોસ્ટ કરાયો હતો. આ મેસેજમાં અનમોલ બિશ્નોઈનોએ સલમાનના નિવાસસ્થાન બહાર ગોળીબારની જવાબદારી સ્વીકારી હતી.
જોકે સલમાનને ચેતવણી આપતા આ મેસેજમાં ભાગેડુ ગૅન્ગસ્ટર દાઉદ ઈબ્રાહિમ અને છોટા શકીલના નામનો ઉલ્લેખ પણ કરાયો હતો. મેસેજમાં લખવામાં આવ્યું હતું કે ‘ઈસકે બાદ ગોલિયાં ખાલી ઘર પર નહીં ચલેંગી ઔર જિસ દાઉદ ઈબ્રાહિમ ઔર છોટા શકીલ કો તુમને ભગવાન માન રખા હૈ ઉસકે નામ કે હમને દો કુત્તે પાલે હુએ હૈ.’
અનમોલ બિશ્નોઈનોએ મેસેજમાં સલમાન ખાનની અન્ડરવર્લ્ડ ડૉન દાઉદ અને શકીલ સાથે સાઠગાંઠ હોવા તરફ ઇશારો કર્યો હતો. અનમોલનો આ મેસેજ સલમાન માટે મુશ્કેલી ઊભી કરે એવી શક્યતા પણ વ્યક્ત કરાઈ રહી છે.
ઉલ્લેખનીય છે કે અન્ડરવર્લ્ડ-બોલીવૂડ કનેક્શનની તપાસ દરમિયાન ક્રાઈમ બ્રાન્ચે 2000માં ચોરી ચોરી ચુપકે ચુપકે ફિલ્મના નિર્માતા નઝીમ રિઝવી અને તેના મદદનીશ અબ્દુલ રહીમ ખાનની ધરપકડ કરી હતી. આ કેસમાં પછીથી ફિલ્મના ફાઈનાન્સર અને હીરાવેપારી ભરત શાહની પણ ધરપકડ કરવામાં આવી હતી. છોટા શકીલ અને બોલીવૂડની કેટલીક હસ્તી વચ્ચે થયેલી ટેલિફોનિક વાતચીતને ક્રાઈમ બ્રાન્ચે ટેપ કરી હતી. આ ટેપને આધારે તપાસ હાથ ધરી અન્ડરવર્લ્ડ અને બોલીવૂડ વચ્ચેની સાઠગાંઠનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો.
ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં તે સમયે સલમાન ખાનનું નામ પણ સામે આવ્યું હોવાની ચર્ચા હતી. શકીલે ધમકી આપવા માટે સલમાનને ફોન કર્યો હોવાનું પછીથી કહેવામાં આવ્યું હતું. તે સમયે આ કેસને કારણે ભારે હોબાળો મચ્યો હતો.