‘એનિમલ’ની એક ટિકિટનો આટલો બધો ભાવ? જોવા માટે ચૂકવવા પડશે રૂપિયા 2000
બોલીવુડ અભિનેતા રણબીર કપૂરની આગામી ફિલ્મ ‘એનિમલ’ 1 ડિસેમ્બરે રિલીઝ થવાની છે. ફિલ્મનું તાજેતરમાં જ ટ્રેલર આવી ગયું છે. રણબીર સહિત ફિલ્મના તમામ કલાકારોની ભૂમિકા દમદાર લાગી રહી છે અને હવે ફિલ્મના એડવાન્સ બુકિંગ પણ શરૂ થઇ ગયું છે.
જો કે દિલ્હી-NCR અને મુંબઇમાં ફિલ્મની ટિકીટના ભાવ આસમાનને આંબી રહ્યા છે. એક ટિકીટનો ભાવ 250 રૂપિયાથી શરૂ થઇને 2200 રૂપિયા સુધી પહોંચી ગયો છે. ફિલ્મના ટ્રેલરને દર્શકોનો અપાર પ્રેમ મળી રહ્યો છે અને લોકો તેની રિલીઝ માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ફિલ્મની સારીએવી હાઇપને ધ્યાનમાં રાખીને નિર્માતાઓએ મેગા રિલીઝના પાંચ દિવસ પહેલા 25 નવેમ્બરે એડવાન્સ બુકિંગ ખોલવાનું નક્કી કર્યું હતું. રેક્લાઇનર્સની કિંમત સામાન્ય રીતે રૂ. 900 થી રૂ. 1800 સુધીની હોય છે. મલ્ટિપ્લેક્સ ચેઇનમાં સામાન્ય બેઠક માટેની ટિકિટોની કિમત પણ ઘણી ઉંચી હોય છે.
‘એનિમલ’ની કથા મોટેભાગે પિતા-પુત્રના સંબંધો પર કેન્દ્રિત છે, જે અનુક્રમે અનિલ કપૂર અને રણબીર કપૂર દ્વારા ભજવવામાં આવ્યું છે. સંદીપ રેડ્ડી વાંગાના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મના ટ્રેલરને યુટ્યૂબ પર વારંવાર જોવામાં આવી રહ્યુ છે. 1 દિવસ પહેલા એટલે કે ગુરૂવારે રિલીઝ થયેલા આ ટ્રેલરને અત્યાર સુધી 54 મિલિયનની આસપાસ વ્યૂઝ મળી ચૂક્યા છે અને આ ટ્રેલર સોશિયલ મીડિયા પર નંબર 1 પર ટ્રેન્ડ કરી રહ્યુ છે.