અનિલ કપૂર પહોંચ્યો દિલ્હી હાઇકોર્ટ, જજ સામે પોતાના અધિકારોના રક્ષણની કરી માગ
બોલીવુડ અભિનેતા અનિલ કપૂરે દિલ્હી હાઇકોર્ટમાં પોતાના અધિકારોની સુરક્ષાની માગ કરતી અરજી દાખલ કરી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર થઇ રહેલા તેમના નામના દુરૂપયોગ પર અભિનેતાએ નારાજગી જતાવી છે. અભિનેતાએ જણાવ્યું છે કે આનાથી તેમની ઇમેજ ખરાબ થાય છે અને વ્યક્તિત્વ પર ખરાબ અસર પડે છે. કોર્ટે આ મામલે તેમને રાહત આપી છે.
અનિલ કપૂરે તેની અરજીમાં જણાવ્યું છે કે સોશિયલ મીડિયામાં અલગ અલગ પ્લેટફોર્મ્સ પર તેમનું નામ, અવાજ, અને તસવીરો સાથે તેમની વ્યક્તિગત ચીજોનો ગેરકાયદે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જેને કારણે તેમની ઇમેજ પર ખોટી અસર પડી રહી છે. આના પર રોક લગાવવા માટે અનિલે કોર્ટ તરફથી યોગ્ય આદેશ બહાર પાડવામાં આવે તેવી ગુહાર લગાવી છે.
લખન, મિસ્ટર ઇન્ડિયા, મજનૂભાઇ અને જક્કાસ જેવા શબ્દોનો સોશિયલ મીડિયામાં ખોટો ઉપયોગ થઇ રહ્યો હોવાનું અનિલ કપૂરે જણાવ્યું છે. તેમનું નામ, ફોટો કે અન્ય ઓળખનો ઉપયોગ કરતા પહેલા લોકો તેમની પરવાનગી પણ નથી લઇ રહ્યા એવો આક્ષેપ અનિલ કપૂરે કર્યો હતો. જેને રોકવા માટે અનિલે દિલ્હી હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી.