મનોરંજન

આદિત્ય રોય કપૂરના ઘરમાં એક અજાણી મહિલા ઘૂસી, પોલીસે કેસ નોંધ્યો

મુંબઈઃ ઘણા ચાહકો પોતાના માનીતા અભિનેતા અભિનેત્રીની એક ઝલક જોવા માટે કોઈપણ હદે જતા હોય છે. તાજેતરમાં એક મહિલાએ સલમાન ખાનના ઘરમાં ઘૂસવાનો પ્રયાસ બાદ હવે અભિનેતા આદિત્ય રોય કપૂરના ઘરમાં એક અજાણી મહિલા ઘૂસી ગઈ હતી. પ્રાપ્ત પ્રાથમિક માહિતી અનુસાર, અભિનેતા આદિત્ય રોય કપૂરના બાંદ્રા પશ્ચિમમાં આવેલા ઘરમાં એક અજાણી મહિલા ઘૂસી ગઈ હતી.

બાદમાં મહિલાની ઓળખ ગઝાલા ઝકારિયા સિદ્દીકી (47) તરીકે થઈ હતી, જેણે દાવો કર્યો હતો કે તે અભિનેતાને ભેટ આપવા માટે આવી હતી. અભિનેતાના ઘરનોકર દ્વારા દાખલ કરાયેલી ફરિયાદના આધારે ખાર પોલીસે 26 મેના રોજ સિદ્દીકી વિરુદ્ધ ઘરમાં ઘૂસણખોરીનો કેસ નોંધ્યો હતો.

પોલીસ એફઆઈઆર મુજબ અભિનેતા આદિત્ય રોય કપૂર બાંદ્રા પશ્ચિમના રિઝવી કોમ્પ્લેક્સમાં રહે છે. 26 મેના રોજ, અભિનેતા શૂટિંગ માટે બહાર હતો અને તેમની ઘરકામ કરતી નોકર સંગીતા પવાર (49) ઘરે એકલી હતી.

સાંજે લગભગ 6 વાગ્યે એક અજાણી મહિલા આવી હતી અને તેણે પૂછ્યું કે શું આ અભિનેતા આદિત્ય રોય કપૂરનું ઘર છે? નોકરાણીએ હકારમાં જવાબ આપતા મહિલાએ કહ્યું કે તે અભિનેતા માટે કપડાં અને અન્ય ભેટો લાવી છે અને તેને છ વાગે આવવાનું કહેવામાં આવ્યું છે. નોકરાણીએ તેની વાત પર વિશ્વાસ કરી તેને અંદર આવવા દીધી.

થોડા સમય પછી અભિનેતા ઘરે પાછો ફર્યો ત્યારે નોકરાણીએ તેને મહિલા વિશે જાણ કરી, પરંતુ મહિલાને જોઈને, અભિનેતાએ કહ્યું કે તે આ મહિલાને નથી ઓળખતો. મહિલાએ અભિનેતાની નજીક જવાનો પ્રયાસ કર્યો ત્યારે અભિનેતા સોસાયટીના મેનેજર જયશ્રી ડંકડુંને જાણ કરવા ઘરની બહાર નીકળી ગયો.

ડંકડુંએ અભિનેતાની મેનેજર શ્રુતિ રાવને જાણ કરી હતી, જે તાત્કાલિક રિઝવી હાઇટ્સ આવી અને ખાર પોલીસનો સંપર્ક કર્યો. જ્યારે નોકરાણીએ મહિલાને ઘરમાંથી બહાર જવા કહ્યું, ત્યારે તેણે ના પાડી અને અભિનેતાના ઘરે જ રહેવાની જીદ કરી. ખાર પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. મહિલાએ પોતાની ઓળખ ગઝાલા ઝકારિયા સિદ્દીકી તરીકે આપી, જે દુબઈની રહેવાસી છે અને 47 વર્ષની છે. જ્યારે તેને આવવાનો હેતુ અને તે અભિનેતાના ઘરે કેવી રીતે પહોંચી તે વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે ગોળગોળ જવાબો આપ્યા.

પ્રાથમિક તપાસના આધારે પોલીસ નિષ્કર્ષ પર પહોંચી છે કે તે ગુનાહિત ઈરાદાથી અભિનેતાના ઘરમાં ગેરકાયદેસર રીતે પ્રવેશી હોઈ શકે છે. સિદ્દીકી વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 331(2) (ઘરમાં ઘૂસણખોરી અથવા ઘર તોડવા બદલ સજા) હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી હતી.

આ પણ વાંચો….આ અભિનેતા લોકડાઉનમાં અલ્કોહોલિક બની ગયો હતો! પોડકાસ્ટમાં કર્યો ચોંકવનારો ખુલાસો

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button