બોલીવુડના મહાન અભિનેતા અમરીશ પુરીના જીવનના અજાણ્યા પાસાને જાણો, RSS સાથે શું કનેક્શન હતું?

બોલીવુડના ઈતિહાસમાં અમરીશ પુરી એક એવું નામ છે, જેમની ખલનાયકની ભૂમિકાઓએ દર્શકોના દિલમાં અનોખી જગ્યા બનાવી છે, પરંતુ તેમની અદભૂત એક્ટિંગ સ્કીલ સાથે એક બીજી વાતે ફિલ્મી દુનિયામાં તેમને અલગ ઓળખ આપી હતી, તે છે તેનો અનુશાસન. આ અનુશાસન હોવાનું મુખ્ય કારણ છે રાષ્ટ્રીય સ્વયંસવેક સંઘ (આરએસએસ). આરએસએસના 100 વર્ષના સેલિબ્રેશનમાં અમરીશ પુરીની આ કથા તેમના જીવનના એક અજાણ્યા પાસાને ઉજાગર કરે છે, જેમણે પોતાના અનુશાસનનો શ્રેય સંઘના સંસ્કારોને આપ્યો હતો.
RSSએ શીખવેલો અનુશાસનનો પાઠ
અમરીશ પુરીએ તેમની આત્મકથા ‘ધ એક્ટ ઓફ લાઈફ’માં જણાવ્યું હતું કે તેઓ 15-16 વર્ષની ઉંમરે RSSની શાખામાં જોડાયા હતા. તેમણે દિલ્હીમાં શાખામાં એક કલાકની શારીરિક અને બૌદ્ધિક પ્રવૃત્તિઓમાં ભાગ લીધો અને સ્વયંસેવકોના પરિવારો સાથે સંપર્ક વધારવાનું કામ કર્યું હતું. જે બાદ શાખાના કાર્યમાં એટલા ગૂંચવાયા કે તેમને ત્યાંના મુખ્ય શિક્ષકની જવાબદારી સોંપવામાં આવી. તેમણે એક મીડિયા ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે શાખામાં મળેલા સંસ્કારોએ મારા વ્યક્તિત્વ અને ચરિત્રને ઘડ્યું. ફિલ્મ ઉદ્યોગમાં જ્યાં નૈતિક પતનની શક્યતા વધુ હોય છે, ત્યાં પણ મારું ચરિત્ર સ્વચ્છ રહ્યું, તેનો શ્રેય RSSના સંસ્કારોને જાય છે.”

અમરીશ પુરીનો ફિલ્મી કરિયર સરળ નહતી. તેમના પિતા ફિલ્મોમાં કામ કરવાની વિરુદ્ધ હતા, કારણ કે તેમના પિતરાઈ ભાઈ, જાણીતા ગાયક-અભિનેતા કે.એલ. સહગલની દારૂની આદતે તેમને 42 વર્ષની ઉંમરે મોતને ભેટ્યા હતા. અમરીશના બે ભાઈ ચમન પુરી અને મદન પુરીએ પણ ફિલ્મોમાં કામ શરૂ કર્યું, જેનાથી તેમના પિતા નારાજ થયા.
અમરીશ પુરી હીરો બનવાના સપના સાથે મુંબઈ આવ્યા હતા, પણ તેમનો ચહેરો હીરો જેવો નહોતો એટલા માટે નિષ્ફળતાનો સામનો કરવો પડતો હતો. તે પછી તેઓ દિલ્હીમાં રંગમંચ સાથે જોડાયા અને પછી મુંબઈના પૃથ્વી થિયેટરમાં કામ કરવાનું શરૂ કર્યું હતું, આ સાથે તેઓ સામાન્ય કંપનીમાં નોકરી પણ કરતા હતા.
અમરીશ પુરીની ફિલ્મી કરીયર 39 વર્ષની ઉંમરે શરૂ થયું હતું, જ્યારે તેમને એક મરાઠી ફિલ્મમાં પ્રજ્ઞાચક્ષુની ભૂમિકા મળી અને સુનીલ દત્તની ફિલ્મ રેશમા ઔર શેરામાં રહેમત ખાનનું પાત્ર મળ્યું. 1980માં ‘હમ પાંચ’ ફિલ્મમાં તેમણે પહેલી વખત મુખ્ય ખલનાયકની ભૂમિકા ભજવી, અને ત્યારથી તેમની કારકિર્દીએ રોકેટની ગતિએ ઉડાન ભરી હતી. ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’માં બાબુજીની ભૂમિકાએ તેમને દર્શકોના દિલમાં અમર કરી દીધા.

2001માં લેહમાં સિંધુ દર્શન દરમિયાન એક ઈન્ટરવ્યૂમાં અમરીશ પુરીએ RSS સાથેના તેમના સંબંધની વાત કરી હતી. તેમણે જણાવ્યું કે શાખામાં મુખ્ય શિક્ષક તરીકે તેઓ સ્વયંસેવકોને તાલીમ આપતા હતા, જેણે તેમના જીવનમાં સૈનિક જેવુ અનુશાસન લાવ્યું હતું.
આ અનુશાસનના કારણે તેઓ ક્યારેય શૂટિંગ સેટ પર મોડા પહોંચ્યા નહોતા. જોકે, રંગમંચ અને ફિલ્મોમાં વધુ વ્યસ્ત થતા ત્યારે સંઘ સાથેનો સંપર્ક ઓછો થયો, પરંતુ સંઘના સંસ્કારો તેમના જીવનમાં હંમેશાં રહ્યા. આ સંસ્કારોએ તેમને ફિલ્મ ઉદ્યોગના પડકારોનો સામનો કરવાની શક્તિ આપી હતી.
આ પણ વાંચો…ફિલ્મનામા : અર્ધસત્ય’ પછી ઓમ પુરી ને અમિતાભ બચ્ચનનું પૂર્ણ સત્ય!