Amrish Puri હિન્દી સિનેમાના સૌથી ‘મોંઘા’ વિલન હતા, ‘મોગેમ્બા’ના જીવનની અજાણી વાતો જાણીએ…
ગંભીર હાલતમાંય તેમણે 5 ફિલ્મનું કર્યું હતું શૂટિંગ પૂરું કર્યું
મુંબઈઃ જ્યારે હિન્દી સિનેમાના આઇકોનિક વિલનની વાત આવે છે ત્યારે સૌથી પહેલું નામ અમરીશ પુરી (Amrish Puri)નું લેવાય છે. હિન્દી ફિલ્મોના અભિનેતા અમરીશ પુરી તેમના જમાનાના સૌથી ભયાનક વિલન પૈકીના એક હતા. તેમના ઊંચા કદથી લઈને તેના મજબૂત પહાડી અવાજ સુધી તેઓ આજે પણ લોકોના હૃદયમાં ઘર કરી ગયા છે. જોકે સૌથી મોટી વાત એ હતી કે તેઓ મોં માંગેલી ફી લેતા અને ના મળે તો ફિલ્મોને નકારી કાઢતા હતા.
બોલીવુડના સૌથી મોંઘા અને ખતરનાક વિલન અમરીશ પુરીએ 12 જાન્યુઆરી, 2005ના રોજ દુનિયાને અલવિદા કરી હતી. તેણે પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત 1971માં ફિલ્મ ‘રેશ્મા ઔર શેરા’થી કરી હતી. ફિલ્મ ‘મિસ્ટર ઈન્ડિયા’ના ‘મોગેમ્બો ખુશ હુઆ’ના જાણીતા ડાયલોગથી લઈને ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ના બલદેવ સિંહ ચૌધરી સુધી ફિલ્મી દુનિયામાં તેમણે એક ખાસ ઓળખ બનાવી હતી.
એક અભિનેતા તરીકે અમરીશ પુરી સૌથી વધુ ફી લેવા માટે જાણીતા હતા. તેમણે સરકારી નોકરી છોડીને અભિનયનો માર્ગ પસંદ કર્યો અને હીરો બનવા આવેલો અમરીશ પુરી વિલન બનીને ફિલ્મી દુનિયામાં અલગ જ ચિલો ચાતર્યો હતો.
વર્ષ 2003માં અમરીશ પુરીને એક બીમારીને કારણે ભૂખ લાગતી નહોતી અને તે તેમની નબળાઈ હતી. તેમ છતાં તેણે પોતાના વર્ક કમિટમેન્ટ પૂર્ણ કર્યા. તેણે 5 ફિલ્મ સાઈન કરી હતી, જેમાં ‘કચ્છી સડક’, ‘મુઝ સે શાદી કરોગી’, ‘ક્રિષ્ના’, ‘હલચલ’ અને ‘ઐતરાઝ’નો સમાવેશ થાય છે. આટલી ગંભીર હાલતમાં પણ તેણે આ ફિલ્મોનું શૂટિંગ પૂરું કર્યું હતું.
આ પણ વાંચો : ફરહાન અખ્તરને બર્થ ડે પર મળી કિમતી ભેટ, જાણો કોણે આપી?
2003માં ‘જાલ ધ ટ્રેપ’ના શૂટિંગ દરમિયાન તેનો અકસ્માત થયો હતો, ત્યાર બાદ તેને લોહી ચડાવવું પડ્યું હતું. આ પછી તે માયલોડિસ્પ્લાસ્ટિક સિન્ડ્રોમનો શિકાર બન્યા હતા. જોકે, ‘ખલનાયક’ની ભૂમિકા ભજવનાર પ્રખ્યાત અભિનેતા અમરીશ પુરીએ 1967માં મરાઠી ફિલ્મ ‘શાંતતુ કોર્ટ ચાલુ આહે’થી ડેબ્યૂ કર્યું હતું. તેમણે 1971માં ‘રેશ્મા ઔર શેરા’થી બોલીવુડમાં એન્ટ્રી કરી હતી.
અમરીશ પુરીએ પોતાની 30 વર્ષની કારકિર્દીમાં 400થી વધુ ફિલ્મમાં જોવા મળ્યા હતા. અમરીશ પુરી ‘મિસ્ટર ઈન્ડિયા’ (Mister india), તહેલકા અને ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ (DDLJ) જેવી ફિલ્મોમાં તેના પાત્રો માટે જાણીતો છે અને તેના પાત્રો અમર છે.
1987માં રિલીઝ થયેલી મિસ્ટર ઈન્ડિયામાં મોકેમ્બો, ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’માં બલદેવ સિંહ ચૌધરી, 1986માં શ્રીદેવીની ફિલ્મ નગીનામાં ભૈરોનાથ, કરણ-અર્જુનમાં ઠાકુર દુર્જન સિંહ અને ફિલ્મ ગદરમાં અમરીશ પુરીએ મેજર અશરફ અલીનું યાદગાર પાત્ર ભજવ્યું હતું. તમને જણાવી દઈએ કે 12 જાન્યુઆરી 2005ના રોજ અમરીશ પુરીએ 72 વર્ષની વયે આ દુનિયા છોડી દીધી હતી.