ભગવાનની નહીં, માણસની મદદ કરો: અમિતાભ બચ્ચન ‘લાલબાગ ચા રાજા’ને દાન આપીને ટ્રોલ થયા

મુંબઈ: દર વર્ષે ગણેશ મહોત્સવમાં મુંબઈ ખાતે ‘લાલબાગ ચા રાજા’ની સ્થાપના કરવામાં આવે છે. જેના દર્શને સામાન્ય લોકો સહિત નાની-મોટી ફિલ્મી હસ્તીઓ પણ આવે છે. ફિલ્મી હસ્તીઓ ‘લાલબાગ ચા રાજા’માં મોટી રકમનું દાન પણ કરે છે. તાજેતરમાં અમિતાભ બચ્ચને ‘લાલબાગ ચા રાજા’ માં લાખો રૂપિયાનું દાન કર્યું છે. પરંતુ આ દાન કરીને તેઓ યુઝર્સના રોષનું કારણ બન્યા છે.
અમિતાભ બચ્ચને આપ્યું 11 લાખનું દાન
‘લાલબાગ ચા રાજા’ પંડાલ ખાતે અમિતાભ બચ્ચન વતી દાનરૂપે 11 લાખ રૂપિયાનો ચેક મોકલવામાં આવ્યો હતો. જેનો પંડાલના સેક્રેટરી સુધીર સાલ્વીએ સ્વીકાર કર્યો હતો. વીરલભાયાની નામના ઇન્સ્ટાગ્રામ આઈડી પર જેનો વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે. જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ દાનથી પંડાલમાં ખુશીનો માહોલ છે. પરંતુ આ વીડિયો જોઈને સોશિયલ મીડિયા યુઝર્સ ભડકી ઊઠ્યા છે. યુઝર્સે અમિતાભ બચ્ચનને પંજાબ ખાતે પૂરથી પીડિત લોકોની મદદ કરવાની સલાહ આપી છે.
ભગવાનની મદદ કરવાથી કશું નહીં થાય
એક યુઝર્સે કોમેન્ટ બોક્સમાં લખ્યું કે, “પંજાબ માટે દાન કર્યું હોત તો આનંદ થયો હોત” બીજા યુઝર્સે લખ્યું કે, “પંજાબની મદદ માટે પણ આપી દો…બાબુજી…ભગવાનની મદદ કરવાથી કશું નહીં થાય. માણસની કરો.” અન્ય એક યુઝર્સે કોમેન્ટ બોક્સમાં લખ્યું કે, “જો પંજાબમાં દાન આપતા, એક બે પરિવારને દત્તક લેતા, તો તમારા રૂપિયા સીધા ગણપતિ બાપ્પા પાસે પહોંચી જતા.” જોકે, કેટલાક લોકોએ કોમેન્ટ બોક્સમાં અમિતાભ બચ્ચનની સરાહના પણ કરી છે.
ઉલ્લેખનીય છે કે, ભારે વરસાદના કારણે પંજાબમાં વિનાશક પૂર આવ્યું છે. ખેતીની જમીન ધોવાઈ ગઈ છે. પાકને નુકસાન પહોંચ્યું છે. સાથોસાથ હજારો પરિવારોને સ્થળાંતર કરવાની નોબત આવી છે. જેને લઈને બોલીવૂડ તથા પંજાબી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના કેટલાક કલાકારોએ સોશિયલ મીડિયા પર પોતાની સંવેદના દર્શાવી હતી અને સીધી મદદ પણ જાહેર કરી છે.
દિલજીત દોસાંઝેએ 10 ગામડાઓને દત્તક લેવાની અને તેમને ફરીથી વસાવવા માટે બનતા તમામ પ્રયાસ કરવાની જાહેરાત કરી છે. એમી વિર્કે પૂરથી અસરગ્રસ્ત 200 પરિવારોને દત્તક લીધા છે. ગાયક સતિન્દર સરતાજના ફાઉન્ડેશન અને અભિનેત્રી શહેનાઝ ગિલ પૂરગ્રસ્ત વિસ્તારોમાં રાશન કીટનું વિતરણ કરી રહ્યા છે.
આ પણ વાંચો…અડધી રાતે એવું તે શું કર્યું Amitabh Bachchan કે યુઝર્સ કરવા લાગ્યા ટ્રોલ?