મનોરંજન

Amitabh Bachchanએ કોના માટે કહ્યું કે જ્યારે જ્યારે હું રડ્યો છું ત્યારે… વીડિયો થયો વાઈરલ

ટેલિવિઝન જગતનો સૌથી લોકપ્રિય અને આઇકોનિક ક્વિઝ શો ‘કૌન બનેગા કરોડપતિ’ (KBC) ની ૧૭મી સિઝનની પૂર્ણાહૂતિ થઈ છે અને આ સાથે જ સદીના મહાનાયક અમિતાભ બચ્ચને ભારે હૈયે આ શોને વિદાય આપી છે. વર્ષોથી આ શોના હોસ્ટ તરીકે દર્શકોના દિલ જીતનાર બિગ બી ગ્રાન્ડ ફિનાલેમાં અત્યંત ભાવુક જોવા મળ્યા હતા, જેનો પ્રોમો સોશિયલ મીડિયા પર જોરદાર વાઈરલ થઈ રહ્યો છે.

બોલીવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચન માટે કેબીસી માત્ર એક શો નથી, પણ તેમના જીવનનો એક અભિન્ન હિસ્સો છે. ૧૭મી સીઝનના અંતિમ એપિસોડમાં બિગ બીએ તેમની સફરને યાદ કરતા જણાવ્યું હતું કે, તેમણે તેમના જીવનનો ત્રીજો ભાગ આ શોના મંચ પર વિતાવ્યો છે અને આ પળો તેમના માટે આશીર્વાદ સમાન છે.

પ્રોમોમાં અમિતાભ બચ્ચન પોતાના આંસુ રોકી શકતા નથી. તેમણે હૉટ સીટ પર બેઠેલા સ્પર્ધકો અને સામે બેઠેલી ઓડિયન્સનો આભાર માનતા કહ્યું, જ્યારે પણ મેં કહ્યું કે ‘હું આવી રહ્યો છું’, ત્યારે તે મેં દિલથી કહ્યું હતું. તમે હંમેશા ખુલ્લી બાહોએ મારું સ્વાગત કર્યું છે. જ્યારે હું હસ્યો ત્યારે તમે મારી સાથે હસ્યા અને જ્યારે મારી આંખોમાં આંસુ આવ્યા ત્યારે તમે પણ રડ્યા છો. તમે શરૂઆતથી અંત સુધી મારી આ સફરના સાથી બન્યા છો.

બિગ બીએ વધુમાં એવું પણ જણાવ્યું હતું કે જો તમે અહીં છો તો જ આ રમત છે. જો આ રમત છે તો જ અમે છીએ. ખુબ ખુબ શુક્રવાર. કેબીસીનું આ ગ્રાન્ડ ફિનાલે માત્ર ભાવુક જ નહીં પણ મનોરંજનથી ભરપૂર રહ્યું હતું. સોશિયલ મીડિયા પર એપિસોડનો આ પ્રોમો ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે. ફેન્સ આ વીડિયો પર કમેન્ટ અને લાઈક કરીને પ્રેમ વરસાવી રહ્યા છે.

અહીંયા તમારી જાણકારી માટે ૮૩ વર્ષની ઉંમરે પણ અમિતાભ બચ્ચને મંચ પર અદભૂત ઉર્જા બતાવી હતી. તેમણે ૩૦ મિનિટ સુધી સતત ગીતો ગાયા હતા, જેમાં તેમના સુપરહિટ ગીતો જેવા કે ‘રંગ બરસે’, ‘હોળી ખેલે રઘુવીરા’, ‘ચલત મુસાફિર’ અને ‘મેરે અંગને મેં’ નો સમાવેશ થાય છે.

કેબીસીની આ ખાસ એપિસોડમાં મેગા સ્ટાર અમિતાભ બચ્ચનનો દોહિત્ર અગસ્ત્ય નંદા, એકટર જયદીપ અહલાવત, શ્વેતા નંદાએ પણ ખાસ હાજરી આપતા જોવા મળ્યા હતા. આ ઉપરાંત કોમેડિયન કીકુ શારદાએ પોતાની કોમેડીથી દર્શકોને અને બિગ બીને ખડખડાટ હસાવ્યા હતા.

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિ તેમ જ વિવિધ સ્પેશિયલ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button