Amitabh Bachchanને બૉલીવૂડમાં 55 વર્ષ પૂર્ણ: બીગ-બીએ શેર કરી આ ખાસ તસવીર

મુંબઈ: શહેનશાહ બીગ-બી અમિતાભ બચ્ચને બૉલીવૂડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં 55 વર્ષ પૂર્ણ કર્યા છે. 1969માં ‘સાત હિંદુસ્તાની’ ફિલ્મથી બૉલીવૂડમાં પોતાનું ડેબ્યું કર્યા બાદ આજના સમયમાં અમિતાભ બચ્ચનને બૉલીવૂડના મહાનાયક તરીકે ઓળખવામાં આવે છે.
બૉલીવૂડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં 55 વર્ષના નિમિત્તે બિગ-બીએ તેમના X (ટ્વિટર) પર વિશેષ તસવીર શેર કરી છે. આ તસવીરો તેમણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ની મદદથી બનાવી હોવાનું પણ કહ્યું છે.

81 વર્ષના બીગ-બી અમિતાભ બચ્ચને X પર આ તસવીર શેર કરી હતી. આ તસવીરમાં અમિતાભ બચ્ચન એનિમેટેડ અવતારમાં દેખાઈ રહ્યા છે, પણ તેમની એક આંખમાં ફિલ્મ કૅમેરાની લેન્સ, તો તેમના માથા પર ફિલ્મની રીલ અને બીજા પણ સાધનો પણ દેખાઈ રહ્યા છે.
ટ્વિટ કરેલી આ તસવીર પર અમિતાભ બચ્ચને કેપ્શન આપ્યું હતું કે “સિનેમાની આ અદ્ભુત દુનિયામાં 55 વર્ષ .. અને AIએ મને તેનું અનુવાદ આપ્યું છે”. બિગ-બીની આ પોસ્ટ પર લોકોએ સિનેમામાં તેમના 55 વર્ષ પૂર્ણ થયા હોવાની શુભેચ્છા અને અભિનંદન પણ આપ્યા હતા.
છેલ્લે ટાઈગર શ્રોફની ‘ગણપત’ ફિલ્મમાં અમિતાભ બચ્ચન જોવા મળ્યા હતા. તેમ જ હવે તે ‘કલકી 2898 એડી’ નામની એક ફિલ્મમાં પણ પોતાની એક ઝલખ ચાહકોને દેખાડશે એવી જાહેરાત અમિતાભ બચ્ચને કરી હતી.