લગભગ 3 મિનિટ લાંબુ ‘સાલાર’નું ટ્રેલર રિલીઝ, જોઇને KGFની વાઇબ્સ આવે તો નવાઇ ન લગાડતા..

પ્રભાસની ‘સાલાર’નું ટ્રેલર થોડા જ કલાકો પહેલા રિલીઝ કરી દેવામાં આવ્યું છે. આ ફિલ્મ 22 ડિસેમ્બરે સિનેમાઘરોમાં આવી જ રહી છે, પરંતુ ફિલ્મ આવે એ પહેલા થોડો માહોલ સેટ કરવા ફિલ્મમેકર્સે તેનું ટ્રેલર રિલીઝ કર્યું છે.
KGF ફેમ પ્રશાંત નીલ દ્વારા આ ફિલ્મને દિર્ગ્દર્શિત કરવામાં આવી હતી. આથી ટ્રેલર પરથી આ ફિલ્મમાં KGFની જેમ જ લાર્જર ધેન લાઈફ તેમજ જબરદસ્ત એક્શન અને ઈમોશનલ ડ્રામાવાળી હશે તેવું માની શકાય છે. પ્રભાસ અને પૃથ્વીરાજ બંને દક્ષિણ ભારતીય સિનેમાના ધુરંધર કલાકારો છે. ફિલ્મમાં પ્રભાસ મુખ્યભૂમિકામાં છે પરંતુ તે પોતાના મિત્રને સિંહાસન પર બેસાડવામાં મદદ કરવા દુશ્મનો સાથે લડતો જોવા મળે છે. ટ્રેલરમાં શ્રુતિ હસનની એક ઝલક પણ બતાવવામાં આવી છે.
ખાનસારની સંઘર્ષથી ભરેલી દુનિયાની આ કહાણી છે. ખાનસાર એક કાલ્પનિક શહેર છે જેનો ઉત્તરાધિકારી પૃથ્વીરાજ છે, પરંતુ તેની સામે ઘણા દુશ્મનો છે જે તેને સત્તા પરથી ઉથલાવવા સક્ષમ છે, આવા સમયે તે તેના મિત્ર પ્રભાસને યાદ કરે છે, પ્રભાસ કે જેણે હંમેશા તેના મિત્રનું રક્ષણ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. પ્રભાસ ફિલ્મમાં એક દમદાર વન-મેન આર્મી તરીકે જોવા મળી રહ્યો છે, થિયેટરમાં તેને એક્શન કરતો જોવો નિશ્ચિતપણે એક રોમાંચક અનુભવ હશે.