ઓટીટી સિરીઝ Poacherને સમર્થન આપ્યા પછી ચામડાની બેગ લઇને જોવા મળી આલિયાને લોકોએ લગાવી ફટકાર
મુંબઇઃ બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટ ફરી એકવાર વિવાદમાં ફસાઈ ગઈ છે. આ વખતે તે હાઈ-એન્ડ ઈટાલિયન લક્ઝરી બ્રાન્ડ ગુચી સાથે તેના જોડાણને કારણે વિવાદમાં સપડાઇ છે . મંગળવારે મુંબઈમાં ગુચીના એક કાર્યક્રમમાં આલિયા ભટ્ટ 2,800 ડોલરની કિંમતની ચામડાની બેગ સાથે જોવા મળતા નેટિઝન્સે તેને ફટકાર લગાવી છે અને તેને દંભી ગણાવી છે.
આલિયા ભટ્ટ અસંખ્ય હિટ ફિલ્મોમાં તેની ભૂમિકાઓ માટે જાણીતી છે. હાલમાં જ હાથીઓના ગેરકાયદે શિકાર અને પ્રાણીઓની ક્રૂરતા સામેની તેની વેબ સિરીઝ Poacher રિલીઝ થઇ છે, જેની તે એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર છે. આ વેબ સિરીઝ એમેઝોન પ્રાઇમ પર રિલીઝ કરવામાં આવી છે, જેમાં ગેરકાયદેસર હાથીદાંતની દાણચોરીની વાર્તા અને તે કેવી રીતે હાથીઓને નુકસાન પહોંચાડે છે તે જણાવવામાં આવ્યું છે.
નિયમિતપણે પ્રાણીઓના કલ્યાણ વિશે મોટી મોટી વાતો કરતી આલિયા ભટ્ટ ઇટાલિયન લક્ઝરી બ્રાન્ડ ગુચીદ્વારા આયોજિત ઇવેન્ટમાં 2,800 ડોલરની કિંમતની ચામડાની બેગ સાથે જોવા મળી હતી. એ પ્રાણીના ચામડાની બેગ હતી. નેટિઝન્સને આલિયાનો આ દંભ પસંદ નહોતો આવ્યો અને તેમણે તેમનો વિરોધ દર્શાવ્યો હતો. નેટિઝન્સે પ્રાણીના ચામડાનું ગૂગલ સર્ચ રિઝલ્ટ પણ જોડ્યું જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે ત્રણ વર્ષથી નાની ઉંમરના પ્રાણીની ખાલમાંથી આ બેગ બનાવવામાં આવી છે. એક નેટિઝન્સે લખ્યું હતું કે વેબ સિરીઝ Poacher એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર આલિયા Calf Leather Bag પ્રમોટ કરી રહી છે. એક યુઝરે એમ લખ્યું હતું કે એક તરફ તે પ્રાણી ક્રૂરતા સામે અવાજ ઉઠાવી રહી છે અને બીજી તરફ પ્રાણીના ચામડાની બેગ વાપરે છે. તેની વાણી અને આચરણમાં તદ્દન વિરોધાભાસ છે. નેટિઝન્સે આલિયાની પસંદગી પર સવાલો ઉઠાવ્યા હતા. એક નેટિઝને લખ્યું હતું કે “શું આલિયા ભટ્ટે #Gucci બેગને સમર્થન આપતી વખતે #Animal Cruelty પરની ફિલ્મ ‘Poacher’ પ્રોડ્યુસ કરવી જોઈએ કે જેના પર પ્રાણીઓની ક્રૂરતા માટે સવાલ ઉઠાવવામાં આવે છે?”
જોકે, આલિયાના ચાહકોએ આ બાબતને તેની વ્યક્તિગત પસંદગી ગણાવી હતી અને આલિાનું સમર્થન કર્યું હતું.