નવા ઘરનો વીડિયો વાયરલ થતા આલિયા ભટ્ટ ભડકી, સોશિયલ મીડિયા પર કરી આ વાત

મુંબઈ: બોલીવુડની જાણીતી અભિનેત્રી આલિયા ભટ્ટ તેના નવા ઘરના નિર્માણનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ગુસ્સે થઈ છે. મુંબઈમાં 250 કરોડના ખર્ચે બની રહેલા આ ઘરની તસવીરો અને વીડિયો પરવાનગી વગર વાયરલ થયા બાદ આલિયાએ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરીને પોતાનો રોષ વ્યક્ત કર્યો છે. અભિનેત્રીએ આ કૃત્યને ગોપનીયતાનું ઉલ્લંઘન અને ગંભીર સુરક્ષાનો મુદ્દો ગણાવ્યો છે.
ખાનગી ઘરનો વીડિયો બનાવવો અયોગ્ય છે
આલિયાએ પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, “હું સમજું છું કે મુંબઈમાં જગ્યા મર્યાદિત છે, પરંતુ આનો અર્થ એ નથી કે કોઈને પણ ખાનગી ઘરોના વીડિયો બનાવવાનો અને તેને ઓનલાઇન મૂકવાનો અધિકાર છે. અમારા નિર્માણાધીન ઘરનો વીડિયો અમારી જાણકારી કે સંમતિ વિના રેકોર્ડ અને પ્રકાશિત કરવામાં આવ્યો છે.”
આ પણ વાંચો: આલિયા ભટ્ટની ભૂતપૂર્વ આસિસ્ટન્ટ વેદિકા શેટ્ટીની ₹77 લાખની છેતરપિંડી કેસમાં ધરપકડ
આલિયાએ આ કૃત્યને ‘ઉલ્લંઘન’ ગણાવ્યું અને કહ્યું કે આવી ઘટનાઓને સામાન્ય માનવી જોઈએ નહીં. તેણે પ્રશ્ન કર્યો કે, “જરા વિચારો, શું તમે તમારા ઘરની અંદરનો વીડિયો તમારી જાણ વગર જાહેરમાં શેર કરવામાં આવે તે સહન કરશો? આપણામાંથી કોઈ એવું કરશે નહીં.”
આલિયાએ મીડિયા અને સોશિયલ મીડિયા યુઝર્સને કડક શબ્દોમાં અપીલ કરી છે. તેણે કહ્યું, “જો તમને ઓનલાઈન આવું કોઈ કન્ટેન્ટ મળે તો મહેરબાની કરીને તેને ફોરવર્ડ કે શેર કરશો નહીં. અને મીડિયાના મિત્રો જેમણે આ ફોટો અને વીડિયો પોસ્ટ કર્યા છે, તેમને વિનંતી કરું છું કે તેને તાત્કાલિક દૂર કરો. આભાર”
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મુંબઈના બાન્દ્રા વિસ્તારમાં રણવીર કપૂર અને આલિયા ભટ્ટનો છ માળનો બંગલો લગભગ તૈયાર થઈ રહ્યો છે. જેનું કામ અંતિમ તબક્કામાં છે. આ બંગલાને ‘કૃષ્ણા રાજ’ નામ આપવામાં આવ્યું છે.