અમેરિકામાં છવાયા ‘શોલે’ના બાળ કલાકાર, સફળ ઉદ્યોગપતિ બનનાર આ અભિનેતા કોણ છે?

અમેરિકામાં છવાયા ‘શોલે’ના બાળ કલાકાર, સફળ ઉદ્યોગપતિ બનનાર આ અભિનેતા કોણ છે?

મુંબઈ: બોલીવૂડની દુનિયામાં ઘણા એવા બાળ કલાકારો આવતા હોય છે, જે લોકોનું ધ્યાન ખેંચે છે. તેમાં ઘણા કલાકારો મોટા થઈ મોટા પડદાની દુનિયાને અલવિદા કહી નવો રસ્તો બનાવે છે. જ્યારે ઘણા બોલીવૂડમાં ટકી રહે છે. આવો જ એક બાળ કલાકાર છે અલંકાર જોશી, જે ‘શોલે’ જેવી આઇકોનિક ફિલ્મમાં નજર આવ્યા હતા.

આજે અમેરિકામાં સફળ ઉદ્યોગપતિ તરીકે શાનદાર મોજીલું જીવન જીવે છે. ‘શોલે’ના 50 વર્ષ પૂર્ણ થયા છે, અને આ ફિલ્મના મોટા ભાગના કલાકારો હવે નિવૃત્ત કે દિવંગત થયા છે. પરંતુ અલંકારે બોલીવુડની ચમક છોડીને નવી દુનિયા બનાવી છે.

1970ના દશકામાં માસ્ટર અલંકાર નામ બોલીવૂડમાં ખૂબ જાણીતું હતું. ‘સીતા ઔર ગીતા’ (1972), ‘મજબૂર’ (1974) અને ‘દીવાર’ (1975) જેવી ફિલ્મોમાં તેમની માસૂમ અભિનય શૈલીએ દર્શકોના દિલ જીત્યા હતા. ખાસ કરીને ‘દીવાર’માં તેમણે યુવા અમિતાભ બચ્ચનનો રોલ એવી ગંભીરતાથી નિભાવ્યો કે લોકો તેમના ફેન બની ગયા. તેમની નાની ઉંમરે પણ દરેક દ્રશ્યમાં સચોટ એક્ટિંગ કરવાની ક્ષમતા ખરેખર પ્રશંસનીય હતી.

અલંકારની બહેન અને જાણીતી અભિનેત્રી પલ્લવી જોશીએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે ‘દીવાર’માં અલંકારને રોલ કેવી રીતે મળ્યો. તેણે કહ્યું, “અમે યશ ચોપડાજીને મળવા સેટ પર ગયા હતા. અમિતાભજીએ અલંકારને જોતાં જ કહ્યું, ‘આને મારો બાળપણનો રોલ આપો.’ તેમણે અમિતાભની નાની-નાની હરકતો જેમ કે શર્ટની ગાંઠ ખોલવી. એ દ્રશ્યોમાં ઉમેરવા યશજીને પૂછ્યું હતું.” આ ઘટના અલંકારની અભિનય પ્રત્યેની સમજણ અને નિરીક્ષણશક્તિ દર્શાવે છે.

બાળ કલાકાર તરીકે કામ કરવું સરળ નહોતું. લાંબા શૂટિંગના કલાકો, રાત્રે જાગવું અને ભીડનો સામનો કરવો એ નાની ઉંમરે પડકારજનક હતું. એક ઇન્ટરવ્યૂમાં અલંકારે જણાવ્યું હતું, “મારા માતા-પિતાએ મને હંમેશાં નમ્ર રહેવાનું શીખવ્યું. ખ્યાતિના નશામાં ડૂબવું મારા માટે ક્યારેય વિકલ્પ નહોતું.” મોટા થયા પછી તેમણે અભિનયમાં પાછા ફરવાનો પ્રયાસ કર્યો, પરંતુ બાળપણની ચમક ફરી ન આવી. તેણે મરાઠી ફિલ્મોમાં મેકિંગ અને ડાયરેક્શનમાં પણ હાથ અજમાવ્યો, પરંતુ તેમનું મન ત્યાં ન લાગ્યું.

નવું જીવન, નવી શરૂઆત
અલંકારે ફિલ્મી દુનિયા છોડીને અભ્યાસ પર ધ્યાન આપ્યું અને સોફ્ટવેર પ્રોગ્રામિંગની દુનિયામાં પગ મૂક્યો. તે અમેરિકા ગ્યો, જ્યાં તેણે બે વર્ષ સોફ્ટવેર કંપનીમાં કામ કર્યું અને પછી એક મિત્ર સાથે પોતાની ટેકનોલોજી કંપની શરૂ કરી. આજે, 35 વર્ષથી અમેરિકામાં સ્થાયી થયેલા અલંકારને આજે જોડિયા દીકરીઓ અને એક દીકરો છે.

તેમની દીકરી અનુજા જોશી એક જાણીતી અભિનેત્રી છે, જેણે ‘હેલો મિની’ વેબ સિરીઝમાં કામ કર્યું છે. તેમનો દીકરો સંગીતમાં રસ ધરાવે છે, જ્યારે તેમની બહેન પલ્લવી જોશી નેશનલ એવોર્ડ વિજેતા અભિનેત્રી છે, જેમના પતિ વિવેક અગ્નિહોત્રી ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ જેવી ફિલ્મના ડેરેક્ટર હતા.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button