આતંકી દાઉદ ઇબ્રાહિમ માટે અક્ષય કુમારની પત્નીનો ડાન્સ? જુઓ શું કહ્યું ટ્વિન્કલ ખન્નાએ
મુંબઈ: અંડરવર્લ્ડ અને બોલીવુડના સંબંધો કોઇ છૂપા નથી અને ભૂતકાળમાં સલમાન ખાન, સંજય દત્ત, મહેશ માંજરેકર, રામ ગોપાલ વર્મા જેવા ઘણા બોલીવુડના માંધાતાઓ અંડરવર્લ્ડ સાથે સંપર્કમાં હોવાનું સત્તાવાર રીતે છતું થયું છે. બોલીવુડ અભિનેત્રીઓ પણ અંડરવર્લ્ડના ગેંગ્સ્ટરો સાથે સંબંધ ધરાવતી હોવાનું આપણે જોયું છે અને તેમાં સૌથી પહેલું નામ મોનિકા બેદી અને અબુ સાલેમનું આવે.
આ પણ વાંચો: દાઉદ ઈબ્રાહિમની એક પ્રોપર્ટીની બે કરોડમાં થઈ હરાજી
જોકે, હાલ મુંબઈમાં 90ના દાયદાનું અંડરવર્લ્ડ લગભગ ખતમ થઇ ગયું છે અને બોલીવુડ સાથેના તાર પણ હવે દેખાતા નથી. પરંતુ હાલ આ ચર્ચા એટલા માટે થઇ રહી છે કારણ કે બોલીવુડના ખેલાડી અક્ષય કુમારની પત્ની ટ્વિન્કલ ખન્નાએ આતંકવાદી દાઉદ ઇબ્રાહિમ માટે ડાન્સ કર્યો હોવાના સમાચાર વહેતા થયા છે. આ વિવાદ વર્ષો જૂનો છે અને પોતાની વાત બેધડક રીતે કહેવા માટે જાણીતી ટ્વિન્કલે આ અંગે ખુલાસો કર્યો છે. એક લેખમાં ટ્વિન્કલે જણાવ્યું હતું કે મેં એક ટીવી ચેનલ ઉપર મારું નામ વાંચ્યું જેમાં લખ્યું હતું કે મેં દાઉદની પાર્ટીમાં ગીતો પર ડાન્સ કર્યો હતો. મારા દીકરાઓ પણ વિચારે છે કે મારો ડાન્સ તો એક પહેલવાન અને ગ્રેવીટી વચ્ચે ડબલ્યૂડબલ્યૂએફની મેચ થતી હોય તેના હશે. સમાચાર પત્રોને ખબર હોવી જોઇએ કે દાઉદે મારી કરતા વધુ કુળશ કલાકારને જ પસંદ કરી હોય. જોકે ખોટા સમાચારોની દુનિયા આવી જ છે.
આ પણ વાંચો: વાર-તહેવારે ડોન ‘દાઉદ’ના મરવાના ખબર’ કેમ આવે છે…?!
ઉલ્લેખનીય છે કે અક્ષય કુમારે પણ 2010માં જ્યારે આ સમાચાર સૌપ્રથમ લોકોની સામે આવ્યા ત્યારે પોતાની પ્રતિક્રિયા આપી હતી અને કહ્યું હતું કે હું આ વિશે કંઇ નથી જાણતો અને આવા ખોટા સમાચાર ક્યાંથી આવી રહ્યા છે તેની પણ મને કોઇ જાણ નથી. એટલે કે ટ્વિન્કલ ખન્નાએ આખરે વર્ષો જૂના આ વિવાદ પર પડદો પાડ્યો હતો અને આ સમાચારને ખોટા ગણાવ્યા હતા.